<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

બદનામ જ્યોતિષ અશોક ખરાતના નજીકના સાથીનું ભયાનક અકસ્માતમાં મોત: રહસ્યમય સંજોગોમાં ડો. શેલ્કેએ જીવ ગુમાવ્યો

નાસિક હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ, તપાસ એજન્સીઓ માટે નવો વળાંક

નાસિક, તા. 17: મહારાષ્ટ્રના વિવાદાસ્પદ અને બદનામ સ્વયંભૂ જ્યોતિષ અશોક ખરાત સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અશોક ખરાતના અત્યંત નજીકના ગણાતા અને શિવનિકા ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ ડો. જીતેન્દ્ર શેલ્કેનું શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ડો. શેલ્કે તેમનો પરિવાર સાથે સંભાજીનગર જઈ રહ્યા હતા.
હાઈવે પર કાળમુખો અકસ્માત
મળતી માહિતી મુજબ, નાસિક હાઈવે પર ડો. શેલ્કેની કાર પાછળથી એક ઉભેલા ટ્રક (ટ્રોલર) સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ડો. શેલ્કેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
કોણ હતા ડો. જીતેન્દ્ર શેલ્કે?
ડો. શેલ્કે લાંબા સમયથી અશોક ખરાતના વિશ્વાસુ સાથી તરીકે ઓળખાતા હતા. તેઓ શિવનિકા ટ્રસ્ટમાં મહત્વનું પદ ધરાવતા હતા અને ટ્રસ્ટ વતી જમીનોના સોદા કરવામાં તેમની ભૂમિકા મુખ્ય હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અશોક ખરાત પર અનેક મહિલાઓના શારીરિક શોષણ, છેતરપિંડી અને જમીન હડપ કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે, જેના કારણે શિવનિકા ટ્રસ્ટ અત્યારે તપાસ એજન્સીઓના રડાર પર છે.
અકસ્માત કે કાવતરું? રાજકીય ગરમાવો
ડો. શેલ્કેના આકસ્મિક મોતથી અનેક સવાલો ઉભા થયા છે. તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરે તે પહેલા જ તેમનું મોત થતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. શિવસેના (UBT) ના નેતા સુષમા અંધારેએ આ ઘટના અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "ડો. શેલ્કેના મોત સમાચાર ચોંકાવનારા છે. આ ઘટના પાછળ કોઈ ઊંડું રહસ્ય હોવાની આશંકા છે અને તે ખરાત સાથે જોડાયેલા કેસની ગંભીરતામાં વધારો કરે છે."
હાલમાં સ્થાનિક પોલીસ આ અકસ્માત પાછળના કારણોની તપાસ કરી રહી છે. શું આ ખરેખર એક દુર્ઘટના છે કે કોઈ મોટું ષડયંત્ર, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

(4:19 PM IST)