News of Saturday, 7th November 2026
વ્હાઇટ હાઉસમાં પરંપરાગત રીતે દિવાળીની ઉજવણી
દિવાળીની ઉજવણીના પ્રસંગે ભારતીય ટેક ઉદ્યોગપતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હનુમાન ચાલીસા ભેટ કરી

વોશિંગ્ટન ડીસી,તા.૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળી સમારંભમાં સામેલ થયા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રા પણ ઓવલ ઓફિસમાં આયોજિત આ સમારંભમાં હાજર હતા.
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલે ઓવલ ઓફિસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે પરંપરાગત રીતે દિવો પ્રગટાવ્યો હતો અને રાષ્ટ્રપતિને 'હનુમાન ચાલીસા'ની એક કોપી ભેટ કરી હતી.
આ ખાસ કાર્યક્રમમાં ભારતીય મૂળના કેટલાક લોકો સામેલ થયા હતા, જેમણએ અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પ્રકાશના આ તહેવારની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X' પર આ આયોજન વિશે જાણકારી આપતા, GOQiiના સંસ્થાપક વિશાલ ગોંડલે જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને 'હનુમાન ચાલીસા'ની એક કોપી ભેટમાં આપી હતી. તેમણે લખ્યુ, ઓવલ ઓફિસમાં પ્રકાશની એક શેર કરેલી ક્ષણ.
ગોંડલે પોસ્ટ કર્યું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિવાળીની ઉજવણી કરવી મારા માટે સમ્માનની વાત છે. તેમણે 'હનુમાન ચાલીસા'ની એક કોપી ભેટ આપીને મને ગર્વ થઇ રહ્યો છે. તુલસીદાસ રચિત આ સ્તુતિ જેને લાખો લોકો સાહસ, ભક્તિ અને શક્તિ મેળવવા માટે વાંચે છે. આ આયોજનની ભાવના વિશે વાત કરતા ઉદ્યોગપતિએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
ટ્રમ્પના દિવાળી સમારંભમાં ભારતીય મૂળની કેટલીક જાણીતી હસ્તીઓ પણ સામેલ થઇ હતી જેમાં વિશ્વભરમાં જાણીતા મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના અને કેનેડાના પૂર્વ સાંસદ રૂબી ઢલ્લા સામેલ હતા. આ સાંસ્કૃતિક આયોજન એવા સમયે થયું છે જ્યારે વ્હાઇટ હાઉસના તંત્રમાં મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે દિવાળીની ઉજવણીની પરંપરાની શરૂઆત રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ.બુશે ૨૦૦૩માં કરી હતી. આ પહેલા આ સમારંભ મોટાભાગે આઇઝનહાવર એક્ઝીક્યૂટિવ ઓફિસ બિલ્ડિંગમાં આયોજિત કરવામાં આવતા હતા જેમાં ભારતીય-અમેરિકન સમુદાયના સભ્ય અને ભારતીય રાજદ્વારી સામેલ થતા હતા.
તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૦૦૯માં વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં આયોજિત એક સમારંભ દરમિયાન સૌથી પહેલા દીપ પ્રગટાવ્યો હતો. ત્યારથી વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસ અને રૂઝવેલ્ટ રૂમ સહિત કેટલીક જગ્યાએ દીપ પ્રગટાવવાનો સમારંભ આયોજિત કરવામાં આવે છે.(૪૦.૧૦)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
