News of Saturday, 23rd May 2026
આભમાંથી વરસતી અગનજ્વાળા વચ્ચે ડોક્ટરોની ગંભીર ચેતવણી: હીટવેવ અને ભીષણ ગરમી માત્ર શરીરને જ નહીં, પણ તમારા મગજ અને આંખોને કરી શકે છે ડેમેજ!
અતિશય તડકાથી માઇગ્રેન ટ્રિગર થવાનું અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું જોખમ; આંખોમાં બળતરા અને અંધારા આવવાના લક્ષણોને હળવાશથી ન લેવા નિષ્ણાતોની સલાહ

રાજકોટ,: સમગ્ર દેશ અને રાજ્યમાં અત્યારે સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, ત્યારે આભમાંથી વરસતી અગનજ્વાળા અને કાતિલ હીટવેવને લઈને મેડિકલ એક્સપર્ટ્સે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ચેતવણી જાહેર કરી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી અતિશય ઊંચા તાપમાન અથવા સીધા તડકાના સંપર્કમાં રહેવાથી માત્ર ડિહાઈડ્રેશન કે ચક્કર આવવા જેવી સામાન્ય સમસ્યાઓ જ નથી થતી, પરંતુ તેની માણસના મગજ અને આંખો પર અત્યંત ઘાતક અને લાંબાગાળાની માઠી અસર થાય છે. ખાસ કરીને માસૂમ બાળકો, વૃદ્ધો અને અગાઉથી જ કોઈ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે આ કાળઝાળ ગરમી જાનલેવા સાબિત થઈ શકે છે.
તબીબોના મતે, હાલ હોસ્પિટલોમાં ગરમીના કારણે બીમાર પડતા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ભીષણ ગરમી અને ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું) સીધું મગજમાં લોહીના પ્રવાહને અવરોધે છે. આના કારણે મગજનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન બગડી જાય છે અને ચેતાતંતુની સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ શકે છે. અતિશય તડકો માઇગ્રેનના દર્દીઓમાં અચાનક દુખાવો ટ્રિગર કરી શકે છે. આ સિવાય સતત ભ્રમ થવો, અચાનક બોલવામાં અટકાઈ જવું અથવા જીભ થોથવાવી, અતિશય ઘેન ચડવું, બેભાન થઈ જવું અને હાર્ટ એટેક જેવા લક્ષણો વાસ્તવમાં ગંભીર ન્યુરોલોજીકલ ડેમેજના સંકેત છે, જેની તાત્કાલિક સારવાર ન મળે તો લકવો પણ મારી શકે છે.
આંખોના સ્વાસ્થ્ય પર પણ સીધો પ્રહાર
ઉનાળાની ઋતુમાં લોકો ત્વચાનું ધ્યાન રાખે છે, પરંતુ આંખો પ્રત્યે ઘોર બેદરકારી દાખવે છે. હીટવેવના કારણે આંખોની કીકી સુકાઈ જવી (ડ્રાય આઈઝ), આંખો સતત લાલ થઈ જવી, અસહ્ય બળતરા થવી, આંખોમાંથી સતત પાણી પડવું અને વિઝન પર તણાવ આવવો જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેનાથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે સારી ગુણવત્તાવાળા સનગ્લાસ પહેરવા અનિવાર્ય છે.
ભીષણ ગરમીના પ્રકોપથી કઈ રીતે બચશો?
આ કાળમુખી ગરમીથી બચવા માટે ડોક્ટરોએ બપોરના ૧૨ થી ૪ વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવાની કડક સલાહ આપી છે. જો કોઈ અનિવાર્ય કામસર બહાર જવાનું થાય, તો માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને સાથે છત્રી અચૂક રાખવી. માત્ર સાદું પાણી પીવાના બદલે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ જાળવી રાખવા માટે નિયમિત અંતરે નારિયેળ પાણી, મોળી છાશ, લીંબુ પાણી અને તાજા ફળોના હોમમેડ જ્યુસનું સેવન કરતા રહેવું જોઈએ, જેથી મગજ અને આંખો બંને સુરક્ષિત રહે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
