News of Friday, 1st May 2026
લગ્ન એટલે હવે 'ગુલામીની બેડી'? નવી પેઢીનો ચોંકાવનારો ટ્રેન્ડ: દર ચોથો યુવાન હવે સિંગલ રહેવા તૈયાર, જાણો કેમ બદલાયો મિજાજ
બદલાતા સમયની નવી વાસ્તવિકતા: હવે લગ્ન એ જીવનનો અનિવાર્ય પડાવ નહીં પણ માત્ર એક 'ચોઈસ' બની ગઈ છે

નવી દિલ્હી, તા.૦૧: આજના આધુનિક યુગમાં શું લગ્ન કરવા એ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય છે? આ પ્રશ્નનો જવાબ નવી પેઢી એટલે કે મિલેનિયલ્સ, જેન-ઝી (Gen Z) અને જેન-આલ્ફા (Gen Alpha) 'ના' માં આપી રહી છે. એક તાજેતરના અભ્યાસ મુજબ, હવે લગ્નને પવિત્ર બંધન માનવાને બદલે ઘણા યુવાનો તેને 'બંધન' કે 'ગુલામીની બેડી' તરીકે જોવા લાગ્યા છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં લગભગ 50% કિશોરોએ સ્વીકાર્યું છે કે ભવિષ્યમાં લગ્ન કરવા તેમના માટે બહુ જરૂરી નથી, અને ભારતની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી રહી છે.
આર્થિક આઝાદી અને મહિલાઓનો બદલાતો અભિગમ ભારતમાં લગ્નથી અંતર જાળવનારાઓમાં મહિલાઓના આંકડા સૌથી વધુ ચોંકાવનારા છે. વર્ષ 2011 થી 2019 વચ્ચે એવી યુવતીઓની સંખ્યામાં 48% નો તોતિંગ વધારો થયો છે જે પોતાની મરજીથી ક્યારેય લગ્ન કરવા નથી માંગતી. વર્ષ 2011માં દેશમાં અંદાજે 7 કરોડ સિંગલ મહિલાઓ હતી, જે હવે વધીને 10 કરોડ સુધી પહોંચે તેવો અંદાજ છે. શિક્ષણ અને આર્થિક આત્મનિર્ભરતાને કારણે હવે મહિલાઓ એવા સંબંધો ઈચ્છે છે જ્યાં તેમને સમાનતા મળે અને વગર વિચાર્યે કોઈ બાંધછોડ ન કરવી પડે.
આંકડાઓ શું કહે છે? નેશનલ સેમ્પલ સર્વે (NSO) ના ડેટા આ સામાજિક પરિવર્તન પર મહોર મારે છે. વર્ષ 2011માં જ્યાં 17.2% યુવાનો અવિવાહિત હતા, ત્યાં 2019 સુધીમાં આ આંકડો વધીને 23% થઈ ગયો છે. આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લેનારા પુરુષોનું પ્રમાણ 20.8% થી વધીને 26.1% અને મહિલાઓનું પ્રમાણ 13.5% થી વધીને 20% સુધી પહોંચ્યું છે. એટલું જ નહીં, લગ્નની ઉંમર પણ હવે ઠેલાઈ રહી છે, જેમાં મહિલાઓ સરેરાશ 22.9 વર્ષે અને પુરુષો 25 વર્ષે લગ્ન કરી રહ્યા છે.
શા માટે જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છે યુવાનો? આજના યુવાનો પરિવાર કે બાળકો જેવી કોઈ પણ પ્રકારની જવાબદારીમાં બંધાવા માંગતા નથી. 'સમાજ શું કહેશે' તેનો ડર હવે ઓછો થયો છે. મોંઘવારી અને અસ્થિર નોકરીઓના કારણે યુવાનોની પહેલી પ્રાથમિકતા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની અને કરિયર બનાવવાની છે. તેઓ પોતાના જીવનના સૌથી મહત્વના 20 થી 30 વર્ષ કરિયર પાછળ ખર્ચવા માંગે છે, જેના કારણે લગ્ન તેમના માટે હવે માત્ર એક વિકલ્પ બનીને રહી ગયા છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
