News of Thursday, 3rd September 2026
દોહા-બેંગલુરુ ઈન્ડિગો ફ્લાઇટનું મસ્કતમાં ઈમરજન્સી લેન્ડિંગ! હવામાં પાયલટની તબિયત લથડતાં વિમાન ડાયવર્ટ કરાયું!
ઉડાન દરમિયાન જ ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડતાં લેવાયો નિર્ણય: તમામ મુસાફરો સુરક્ષિત, રાહત ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ

બેંગલુરુ | તા.૦૩: ગુરુવારે વહેલી સવારે દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં એક કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી. વિમાન હવામાં જ હતું તે દરમિયાન ઓપરેટિંગ પાયલટ/ક્રૂ મેમ્બરની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સીની જરૂર ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમાનને તુરંત જ મસ્કત તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 1302 એ સવારે ૨:૧૯ વાગ્યે દોહાથી બેંગલુરુ માટે ઉડાન ભરી હતી. જોકે, મધ્ય આકાશમાં જ પાયલટ/ક્રૂ મેમ્બર અસ્વસ્થ અનુભવવા લાગતાં ફ્લાઇટને ઈમરજન્સી મોડમાં મસ્કત તરફ વાળવામાં આવી હતી અને સ્થાનિક સમય અનુસાર સવારે ૫:૩૦ વાગ્યે મસ્કત એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
લેન્ડિંગ થતાંની સાથે જ એરપોર્ટ પર હાજર તબીબી ટીમે ત્વરિત ધોરણે ક્રૂ મેમ્બરની સારવાર શરૂ કરી દીધી હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું કે, સમયસર મળેલી સારવાર બાદ ક્રૂ મેમ્બરની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ હવે સ્વસ્થ અનુભવી રહ્યા છે.
આ અચાનક ડાયવર્ઝનને કારણે અટવાઈ ગયેલા મુસાફરોને તેમની આગળની મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તે માટે એરલાઈન દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બેંગલુરુથી મસ્કત માટે એક નવી રાહત ફ્લાઇટ અને નવા ક્રૂ મેમ્બર્સનો સેટ રવાના કરવામાં આવ્યો છે, જે તમામ મુસાફરોને મસ્કતથી સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન બેંગલુરુ પહોંચાડશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
