News of Monday, 1st June 2026
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિઓથી ઇમિગ્રન્ટ્સ પરિવારો મુશ્કેલીમાં : ગ્રીનકાર્ડ ધારકો અને વિદેશી નાગરિકોના આરોગ્ય-આવાસ લાભો પર કાપની તૈયારી
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કડક નિર્ણયોથી યુએસ નાગરિકતા ધરાવતા માસૂમ બાળકોના હેલ્થ કવરેજ અને મેડિકેડ પાત્રતા પર મોટું જોખમ : સપ્લાય અને આર્થિક દબાણ વધતા મેડિકલ એસોસિએશનો દ્વારા વિરોધ

ન્યૂયોર્ક: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશમાં ગેરકાયદે તેમજ કાયદેસર રીતે વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ (સ્થળાંતરિતો) વિરુદ્ધ કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્ર અને યુએસ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી રહેલા નવા નીતિગત ફેરફારોના કારણે લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારોના આરોગ્ય (હેલ્થ કવરેજ) અને સરકારી આવાસ સહાય (હાઉસિંગ આસિસ્ટન્સ) ના લાભો છીનવાઈ જવાનું મોટું જોખમ ઉભું થયું છે. આ કડક ઇમિગ્રેશન અમલીકરણ પ્રવૃત્તિઓના કારણે અમેરિકામાં વસતા લાખો વિદેશી પરિવારો અને ખાસ કરીને તેમના આશ્રિત બાળકોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પર અત્યંત નકારાત્મક અસરો પડવાની સંભાવના રિસર્ચ સંસ્થાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
કેએફએફ (KFF) ના તાજેતરના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી જ અમેરિકાની ધરતી પર જન્મતા બાળકોને મળતી જન્મજાત નાગરિકતા (Birthright Citizenship) ના ૧૪મા બંધારણીય સુધારાના અધિકારને સમાપ્ત કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો, જેના પર હાલ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ જૂ કે જુલાઈમાં આખરી ચુકાદો આપશે. આ ઉપરાંત, ૨૦૨૫ ના નવા રિકોન્સિલિએશન લો (Reconciliation Law) હેઠળ કાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ માટે મેડિકેડ (Medicaid) અને ચિપ (CHIP) જેવી સરકારી આરોગ્ય યોજનાઓમાં ૫ વર્ષનો લાંબો વેટિંગ પિરિયડ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ જટિલ નિયમો અને ભાષાકીય અવરોધોના કારણે વાલીઓ પોતાના કાયદેસર પાત્રતા ધરાવતા બાળકોનું પણ હેલ્થ એન્વોલમેન્ટ કરાવી શકતા નથી, જેનાથી અમેરિકામાં વીમા વિનાના નાગરિકોની સંખ્યામાં જંગી વધારો થઈ રહ્યો છે.
બીજી તરફ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (HUD) દ્વારા એક નવો પ્રસ્તાવિત નિયમ લાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત 'મિક્સ ફેમિલીઝ' એટલે કે જે પરિવારમાં કોઈ એક સભ્ય પાસે કાયદેસર નાગરિકતા ન હોય, તેવા આખા પરિવારને સરકારી આવાસ સબસિડી કે સસ્તી આવાસ સહાય મેળવવાથી વંચિત કરી દેવામાં આવશે. આ કાયદાના કારણે લાખો અમેરિકી નાગરિકોને પણ માત્ર ઇમિગ્રન્ટ પરિવારના સભ્ય હોવાના કારણે ઘરવિહોણા થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન (APHA) અને પ્રોટેક્ટિંગ ઇમિગ્રન્ટ ફેમિલીઝ કોએલિશને આ આવાસ નિયમનો સખત વિરોધ કરીને હાઉસિંગ પ્રસ્તાવને ફગાવી દેવા સત્તાવાર રજૂઆતો કરી છે.
આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ટ્રમ્પ પ્રશાસનના આ આકરા આર્થિક અને વહીવટી દબાણોના કારણે માત્ર બજેટ પરનો બોજ ઓછો કરવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિક સ્તરે તેનાથી જાહેર આરોગ્યની માળખાકીય સુવિધાઓ ખોરવાઈ જશે. હાલમાં અમેરિકાના આશરે ૧૫ જેટલા રાજ્યો પોતાના સ્થાનિક બજેટમાંથી ઇમિગ્રન્ટ બાળકોને આરોગ્ય સહાય પૂરું પાડી રહ્યા છે, પરંતુ કોલોરાડો જેવા રાજ્યોએ પણ હવે નાણાકીય કટોકટી અને બજેટના અભાવે આ કવરેજમાં કાપ મૂકવાની ફરજ પડી રહી છે. ઇમિગ્રન્ટ પરિવારોમાં વધી રહેલા ડર અને અસુરક્ષાના કારણે લાંબા ગાળે અમેરિકાના સામાજિક અને આર્થિક માળખાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
