<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ડોનાલ્ડ ટ્રમ્પ આજે ૧૪ જૂને પોતાના ૮૦મા જન્મદિવસે ઈરાન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવવા ભારે આતુર

ઈરાનનો અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો સાફ ઇનકાર, હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી ન થઈ હોવાનો અને આજે જ સમજૂતી થઈ જાય તેવી શક્યતા નહીં હોવાનો ફાર્સ ન્યૂઝનો દાવો

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ૧૪ જૂનના રોજ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર ઔપચારિક હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. જોકે ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીઓ અને વાટાઘાટકારોએ આ દાવાને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે આજે કોઈ કરાર થવાનો નથી. ઈરાની સૈન્યના ટોચના કમાન્ડરે પણ અમેરિકા અને દુશ્મનો સામે ઈરાનના વિજયનો હુંકાર કર્યો છે.

 

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારનો મુદ્દો ભારે ગરમાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો હતો કે રવિવાર, ૧૪ જૂનના રોજ તેઓ ઈરાન સાથે નવી શાંતિ ડીલ પર સહી કરવા જઈ રહ્યા છે. 

 

આજે ૧૪ જૂને ટ્રમ્પનો ૮૦મો જન્મદિવસ છે અને તેઓ આ દિવસે ડીલ ફાઇનલ કરીને વિશ્વભરમાં એક મોટી પ્રતીકાત્મક રાજકીય સિદ્ધિ મેળવવા માંગે છે.

 

પરંતુ અમેરિકાના આ દાવાઓ વચ્ચે ઈરાન તરફથી મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ઈરાનની સત્તાવાર 'ફાર્સ ન્યૂઝ એજન્સી' અને 'મેહર ન્યૂઝ એજન્સી' ના અહેવાલો મુજબ, ઈરાની વાટાઘાટકારોએ અમેરિકાના દાવાઓનું ખંડન કર્યું છે. ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ જ અંતિમ સમજૂતી સધાઈ નથી. તેથી, રવિવારે કોઈપણ ભોગે આ ડીલ પર હસ્તાક્ષર થવા અશક્ય છે. 

 

ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે મીડિયા કે રાજકીય દબાણ હેઠળ આવીને ઉતાવળમાં કોઈ નિર્ણય લેશે નહીં અને કોઈના પણ દબાણ સામે ઝૂકશે નહીં.

 

આ રાજકીય ખેંચતાણ વચ્ચે ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર, મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ પણ એક આક્રમક નિવેદન આપીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેઓએ હુંકાર કરતા કહ્યું છે કે દુનિયા ખૂબ જ ટૂંક સમયમાં આક્રમક દુશ્મનો સામે ઈરાનનો ભવ્ય વિજય અને પ્રતિકાર જોશે. 

 

આ નિવેદન દર્શાવે છે કે ઈરાન પોતાની શરતો પર જ કોઈપણ સમજૂતી કરવા માંગે છે અને અમેરિકાની ઉતાવળને તે જરાય સ્વીકારતું નથી. આખી દુનિયાની નજર અત્યારે આ બંને દેશોના આગામી પગલાં પર ટકેલી છે.*

(10:27 AM IST)