News of Wednesday, 29th July 2026
મિડલ ઈસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિને મોટો ઝટકો: ફ્રાન્સ અને બ્રિટનની નારાજગી વચ્ચે અમેરિકા હોર્મુઝ મિશનથી પીછેહટ કરવા મજબૂર; 'સોદા' પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
ઇરાન પર હવાઈ હુમલા પહેલા સાથી દેશોને અંધારામાં રાખતા યુરોપ ક્રોધિત; હોર્મુઝની અખાતમાં અમેરિકી આગેવાની હેઠળના સૈન્ય પેટ્રોલિંગમાં જોડાવાનો ફ્રાન્સ-બ્રિટનનો સ્પષ્ટ ઇનકાર

વોશિંગ્ટન, તા.૨૯: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ અને રાજદ્વારી પ્રતિષ્ઠાને વૈશ્વિક મંચ પર વધુ એક મોટો આઘાત લાગ્યો છે. ઇરાન સાથે ચાલતા ભયાનક તણાવ વચ્ચે હોર્મુઝની અખાત (Strait of Hormuz) માં હુમલા અચાનક રોકી દેવાના ટ્રમ્પના નિર્ણય પાછળ કોઈ રાજદ્વારી 'સોદો' નહીં, પરંતુ અમેરિકાની યોજના નિષ્ફળ જવી અને સાથી દેશોનો અસહકાર હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. 'પોલિટિકો' ના અહેવાલ મુજબ, અમેરિકાના અત્યંત નજીકના મિત્ર દેશો ગણાતા બ્રિટન અને ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા મિશનમાં યુએસ નૌકાદળ સાથે જોડાવાનો સાફ ઇનકાર કરી દીધો છે, જેના કારણે ટ્રમ્પ હોર્મુઝ મુદ્દે વૈશ્વિક સ્તરે એકલા પડી ગયા છે.
અહેવાલો અનુસાર, યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે બ્રિટન અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રીઓ સાથે સીધી વાતચીત કરીને આ મિશનમાં અગ્રણી ભૂમિકા ભજવવા ભારે વિનંતીઓ કરી હતી. જોકે, યુરોપિયન સત્તાઓએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઇરાન સાથે કાયમી યુદ્ધવિરામ ન થાય અથવા તણાવ ઓછો થવાના સ્પષ્ટ સંકેતો ન મળે, ત્યાં સુધી આવી જોખમી લશ્કરી કાર્યવાહીમાં ઝંપલાવવું મૂર્ખામીભર્યું ગણાશે. યુરોપિયન દેશોની આ નારાજગીનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર ભયાનક હવાઈ હુમલાઓ કરતા પહેલા પોતાના સાથી દેશો સાથે કોઈ જ સલાહ-સૂચન કર્યું નહોતું અને તેમને અંધારામાં રાખ્યા હતા.
બ્રિટને સ્પષ્ટ કહી દીધું છે કે તે ઇરાન સામેની કોઈ પણ આક્રમક યુએસ લશ્કરી કાર્યવાહીનો ભાગ બનશે નહીં. જોકે, હોર્મુઝમાંથી પસાર થતા તેલ ટેન્કરો અને વ્યાપારી જહાજોની સામાન્ય સુરક્ષા અને દરિયાઈ માઈન્સ દૂર કરવા માટે લંડનમાં એક આંતરરાષ્ટ્રીય બેઠક યોજવા તૈયારી દર્શાવી છે, પરંતુ સીધા યુદ્ધમાં ઉતરવાની વાતને ફગાવી દીધી છે. સાથી દેશો તરફથી સમર્થન ન મળતા જ ટ્રમ્પે હોર્મુઝમાંથી દળો પાછા ખેંચવાની ફરજ પડી હતી, જેને તેમણે પોતાની આબરૂ બચાવવા 'શાંતિ અને યુદ્ધવિરામ પ્રયાસ' તરીકે રજૂ કર્યું હતું.
દરમિયાન, યમનના હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં બાબ અલ-મંડેબ અને હોર્મુઝની નાકાબંધી જાહેર કરી દેતા વૈશ્વિક શિપિંગ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગો પર જહાજોની અવરજવર અટકી પડતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા સંકટ અને મોંઘવારીનો ભય મંડરાઈ રહ્યો છે. એક તરફ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઇરાન સાથે વાટાઘાટો યોગ્ય દિશામાં છે, તો બીજી તરફ ઇરાને સ્પષ્ટ કર્યું છે કે લશ્કરી દબાણ અને વાટાઘાટો એકસાથે ન ચાલી શકે. આ સ્થિતિમાં જો ત્વરિત કૂટનીતિક ઉકેલ નહીં આવે તો સમગ્ર વિશ્વ મોટો આર્થિક આંચકો સહન કરવા તૈયાર રહેવું પડશે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
