News of Thursday, 16th July 2026
"મને ઉપવાસ તોડવાનું ન કહો, તેના બદલે ૨૦ જુલાઈની સંસદ કૂચમાં જોડાઓ" - ભૂખ હડતાળના ૧૮માં દિવસે પણ સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પોતાના નિર્ણય પર અડગ
સરકારના પ્રતિભાવ વિના આંદોલન સમેટવાથી ખોટો સંદેશ જશે : NEET પરીક્ષાની ગેરરીતિઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ક્રોકરોચ જનતા પાર્ટીની 'ચલો સંસદ' માર્ચને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને નાગરિકોને આહવાન

નવી દિલ્હી:જંતર-મંતર ખાતે ચાલી રહેલી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળના ૧૮માં દિવસે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે રાજકીય નેતાઓ અને સમર્થકોની અપીલો છતાં ઉપવાસ તોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યા વિના જો તેઓ આ ઉપવાસ તોડી નાખશે, તો સમાજ અને વહીવટી તંત્રમાં એક અત્યંત ખોટો સંદેશ જશે.
બુધવારે મોડી રાત્રે જારી કરેલા એક વીડિયો સંદેશમાં સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, તેમને ઉપવાસ છોડવા માટે અત્યાર સુધીમાં હજારો સંદેશાઓ મળ્યા છે. ઘણા વરિષ્ઠ રાજકીય નેતાઓએ પણ તેમની મુલાકાત લઈને પ્રેમ અને ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને બળજબરીથી જમાડવા માટે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. જોકે, તેમણે સવાલ કર્યો હતો કે જો તેઓ કંઈક ખાઈ લેશે, તો સરકારને એવો જ સંદેશ જશે કે પ્રદર્શનકારીઓ થોડા દિવસ બેસીને ચાલ્યા જાય છે અને કોઈ જવાબદારી નક્કી કરવાની જરૂર નથી.
પોતાના સ્વાસ્થ્ય અંગે ફેલાયેલી ચિંતાઓને દૂર કરતા તેમણે ઉમેર્યું હતું કે, તબીબી તપાસના અહેવાલો મુજબ હાલ કોઈ તાત્કાલિક જોખમ નથી. ૧૮ દિવસના ઉપવાસના હિસાબે મેડિકલ ટેસ્ટના પરિણામો તદ્દન સામાન્ય આવ્યા છે અને ઇસીજી (ECG) નો રિપોર્ટ પણ સારો છે. શરીરમાં નબળાઈ ચોક્કસ આવી છે અને સ્નાયુઓ નબળા પડી રહ્યા છે, પરંતુ તેમનું હૃદય અને આંતરિક સ્વાસ્થ્ય હજુ પણ મજબૂત છે, જેથી તેઓ આગામી ઘણા દિવસો સુધી આ લડત ચાલુ રાખી શકે છે.
સોનમ વાંગચુકે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમને ઉપવાસ તોડવાનું કહેવાના બદલે, આગામી ૨૦ જુલાઈના રોજ યોજાનારી ક્રોકરોચ જનતા પાર્ટી (CJP) ની પ્રસ્તાવિત સંસદ કૂચમાં મોટી સંખ્યામાં ભાગ લે. તેમણે દેશની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો છે કે તેઓ ૨૦ જુલાઈના દિવસને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વ્યાવહારિક શિક્ષણના દિવસ તરીકે ઉજવે, જેથી વિદ્યાર્થીઓ રાજકીય વિજ્ઞાન અને લોકશાહીનો સાચો પાઠ પ્રત્યક્ષ રીતે શીખી શકે.
ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ક્રોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર-મંતર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે એટલે કે ૨૦ જુલાઈએ યોજાનારી આ 'ચલો સંસદ' કૂચ માટે લોકોને વેબસાઈટ અને મિસ્ડ કોલ ઈનિશિએટિવ દ્વારા વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા માટે સોનમ વાંગચુકે આહવાન કર્યું છે, જેથી આ સમગ્ર મુદ્દો સંસદ સમક્ષ મજબૂતાઈથી રજૂ કરી શકાય.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
