<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

મોંઘવારી અને માવઠાનો ડબલ માર: એસીનું માર્કેટ ઠંડુંગાર : આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક્સમાં અણધાર્યો ઉછાળો

આકાશ આંબતી કિંમતો અને જૂન મહિનામાં કમોસમી વરસાદના લીધે લોકોએ એર કંડિશનર ખરીદવાનું ટાળ્યું, પરંતુ ગરમી અને ઉકળાટ વચ્ચે દહીં, છાશ અને ઠંડા પીણાંના વેચાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

નવી દિલ્હી :  આ વર્ષે ઉનાળાની સિઝનમાં હવામાનના બદલાતા મિજાજ અને સતત વધતી મોંઘવારીએ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટનું ગણિત સાવ બગાડી નાખ્યું છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન મહિના દરમિયાન જે એર કંડિશનર (AC) ની ડિમાન્ડ રોકેટ ગતિએ વધતી હોય છે, તેમાં આ વખતે ભારે કડાકો જોવા મળ્યો છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં દેશના અનેક ભાગોમાં વાવાઝોડાં અને કમોસમી વરસાદને કારણે રાત્રિનું તાપમાન નોંધપાત્ર રીતે ગગડી ગયું હતું, જેથી લોકોની એસી ખરીદવાની તાતી જરૂરિયાત ઘટી ગઈ. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયમાં કાચા માલના ભાવ વધારાને કારણે એસીની કિંમતોમાં 18 થી 20 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેના લીધે મધ્યમ વર્ગના ગ્રાહકો મોંઘા એસી ખરીદવાને બદલે સસ્તા એર કૂલર કે પંખા તરફ વળી રહ્યા છે.

જોકે, કૂલિંગ પ્રોડક્ટ્સના આ મિશ્ર ટ્રેન્ડ વચ્ચે હોમ એપ્લાયન્સિસમાં રેફ્રિજરેટર અને વોશિંગ મશીનની માર્કેટે ચોક્કસપણે જોર પકડ્યું છે. ગોદરેજ એન્ટરપ્રાઇઝના બિઝનેસ હેડ કમલ નંદીના જણાવ્યા મુજબ, પ્રીમિયમ અને નોર્મલ બંને સેગમેન્ટમાં ફ્રિજની માંગ મજબૂત રહી છે, જ્યારે ચોમાસાના વહેલા આગમનને કારણે વોશિંગ મશીનનું વેચાણ પણ વેગ પકડી રહ્યું છે. એસી કંપનીઓ માટે ભલે જૂન મહિનો આર્થિક રીતે નબળો રહ્યો હોય, પરંતુ પ્રીમિયમ મોડલ્સના વેચાણ અને વધેલા ભાવોને કારણે ઉદ્યોગના એકંદર ટર્નઓવર મૂલ્યમાં આશરે 35 ટકાનો ગ્રોથ ચોક્કસ નોંધાયો છે, જે ઉદ્યોગ માટે થોડી રાહત સમાન છે.

એસી માર્કેટમાં ભલે મંદી જેવો માહોલ હોય, પણ એફએમસીજી (FMCG) અને ડેરી સેક્ટર માટે આ સિઝન લોટરી સમાન સાબિત થઈ છે. કોકા-કોલા અને મધર ડેરી જેવી દિગ્ગજ કંપનીઓએ વેચાણમાં બમ્પર ઉછાળો નોંધાવ્યો છે. નાના પેકિંગ, ક્વિક કોમર્સ ડિલિવરી અને સફર દરમિયાન ઠંડક મેળવવાની લોકોની આદતને કારણે સોફ્ટ ડ્રિંક્સનું વેચાણ આકાશે આંબ્યું છે. મધર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જયતીર્થ ચારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ જૂન ક્વાર્ટરમાં આઈસ્ક્રીમ, દહીં, છાશ અને ફ્લેવર્ડ મિલ્ક જેવા મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનોના વેચાણમાં 30 ટકાથી વધુનો ધિંગો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકોએ મોંઘા ગેજેટ્સ ખરીદવાનું ભલે ટાળ્યું હોય, પણ જીભનો સ્વાદ અને તાજગી જાળવી રાખવામાં કોઈ કચાસ બાકી રાખી નથી.

(5:19 PM IST)