તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Saturday, 25th April 2026
મોંઘવારીનો ડબલ ડોઝ: ક્રૂડ ઓઈલ બાદ હવે ભારતમાં પામ તેલનું સંકટ, સાબુ, બિસ્કિટ અને ચિપ્સના ભાવમાં થશે તોતિંગ વધારો?
વિશ્વના સૌથી મોટા આયાતકાર ભારત માટે ખતરાની ઘંટડી; ઈરાન યુદ્ધ અને સપ્લાય ચેઈન ખોરવાતા એફએમસીજી સેક્ટર પર માઠી અસર, રોજિંદા વપરાશની વસ્તુઓ થશે મોંઘી

રાજકોટ: ભારતીયોના રસોડાથી લઈને બાથરૂમ સુધી જેનો દબદબો છે તેવા 'પામ તેલ' પર હવે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવની અસર માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે તેની સીધી અસર ભારતના ખાદ્ય તેલ બજાર પર પડી રહી છે. ભારત વિશ્વમાં પામ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને જો પુરવઠો ખોરવાશે તો સવારની ટૂથપેસ્ટથી લઈને રાતના ડિનર સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ શકે છે.
ભારત દર વર્ષે આશરે 9.5 મિલિયન ટન પામ તેલની આયાત કરે છે, જેની સામે દેશમાં ઉત્પાદન માત્ર 4 લાખ ટન જેટલું જ છે. આપણે મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયા પર નિર્ભર છીએ. જોકે, ઇન્ડોનેશિયાએ તાજેતરમાં પોતાના ઘરેલું વપરાશને પ્રાધાન્ય આપવા માટે નિકાસ પર નિયંત્રણો મૂકવાના સંકેતો આપતા ભારત માટે મુશ્કેલીઓ વધી છે. પામ તેલ અન્ય ખાદ્યતેલો કરતા સસ્તું હોવાથી ભારતના કુલ ખાદ્યતેલ વપરાશમાં તેનો હિસ્સો 40% જેટલો મોટો છે.
રસોડાથી લઈને મેકઅપ કિટ સુધી પામ તેલનો દબદબો:
પામ તેલ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ ઉદ્યોગોમાં પણ અનિવાર્ય છે. બજારમાં મળતી ચિપ્સ, નમકીન, સમોસા અને ફ્રેન્ચ ફ્રાઈસને ક્રિસ્પી રાખવા માટે પામ તેલ વપરાય છે. એટલું જ નહીં, બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાદ્ય ઉદ્યોગ ઉપરાંત, સાબુ અને શેમ્પૂમાં આવતો ફીણ પણ પામ તેલને આભારી છે. ક્રીમ, લોશન, લિપસ્ટિક અને ટૂથપેસ્ટ જેવી વસ્તુઓમાં પણ આ તેલ એક મહત્વના ઘટક તરીકે વપરાય છે.
કેમ વધશે કિંમતો?
પામ તેલનો જથ્થાબંધ ભાવ અત્યારે ₹125 પ્રતિ લિટરની આસપાસ છે, જે સૂર્યમુખી કે સોયાબીન તેલ (₹150-175) કરતા ઘણો ઓછો છે. જો આયાત ઘટશે અથવા વૈશ્વિક ભાવ વધશે, તો ઉત્પાદન ખર્ચ વધવાને કારણે એફએમસીજી (FMCG) કંપનીઓ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ અને પેકેજ્ડ ફૂડના ભાવમાં 10% થી 15% નો વધારો કરી શકે છે. હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ માટે પણ ખર્ચ વધતા બહાર જમવું મોંઘું બનશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે જો સમુદ્રી માર્ગો વધુ પ્રભાવિત થશે, તો ભારતીય ગ્રાહકોએ મોંઘવારીના વધુ એક મોટા આંચકા માટે તૈયાર રહેવું પડશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
