<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ડૉ. શ્રીરામ નેને અને માધુરી દીક્ષિતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમનું પ્રથમ પુસ્તક '21 ડેઝ ટુ ગુડ હેલ્થ' કર્યું અર્પણ

મુંબઈમાં યોજાયેલી ખાસ મુલાકાતમાં આરોગ્ય સુધારણા, નિવારક સારવાર અને જાગૃતિ અંગે થઈ ચર્ચા; અમેરિકાથી પરત ફરેલા પ્રખ્યાત સર્જને લખ્યું પુસ્તક

મુંબઈ : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ અને જાણીતા હૃદયરોગ સર્જન ડૉ. શ્રીરામ નેનેએ તેમની આરોગ્યસંભાળ સફરમાં એક નવો અધ્યાય ઉમેરતા પોતાના પ્રથમ પુસ્તક '21 ડેઝ ટુ ગુડ હેલ્થ'નું વિમોચન કર્યું છે. આ નિમિત્તે ડૉ. નેનેએ ૫ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુંબઈ ખાતે ખાસ મુલાકાત કરી હતી અને તેમને પુસ્તકની પ્રથમ નકલ ભેટમાં આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યમાં હેલ્થકેર જાગૃતિ, નિવારક સંભાળ અને આરોગ્ય સેવાઓને સામાન્ય લોકો સુધી સુલભ બનાવવાના મહત્વ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.

પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુખ્યમંત્રી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા ડૉ. નેનેએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને મારું પ્રથમ પુસ્તક અર્પણ કરવા બદલ હું સન્માનિત અનુભવું છું. આ મુલાકાતમાં અમે તમામ નાગરિકો માટે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા, રોગોની વહેલી ઓળખ, નિવારણ અને સમયસર સારવાર દ્વારા લોકોને સશક્ત બનાવવાના વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી."

આ પુસ્તક રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય સુધારણાને એક વ્યવહારુ અને સરળ પ્રક્રિયા બનાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં પોષણ, શારીરિક પ્રવૃત્તિઓ અને ઊંઘ જેવા આરોગ્યના મુખ્ય સ્તંભો પર આધારિત ૨૧ દિવસનો વૈજ્ઞાનિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. કોઈપણ અઘરી દિનચર્યાઓને બદલે સામાન્ય લોકો પોતાના રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકે તેવા કાર્યક્ષમ પગલાંઓ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે.

પુસ્તકનો મુખ્ય ભાર 'પ્રિવેન્ટિવ હેલ્થકેર' કે રોગ થાય તે પહેલાં જ તેની અટકાયત કરવા પર છે. આ પુસ્તક વાચકોને શરીરના વિવિધ સંકેતો પ્રત્યે વધુ જાગૃત થવા, સંભવિત રોગોના પ્રારંભિક લક્ષણોને વહેલા ઓળખવા અને યોગ્ય સમયે તબીબી સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. નેનેનો હેતુ આ પુસ્તક દ્વારા વ્યક્તિઓને લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે સ્વયં જવાબદારી લેવા સક્ષમ બનાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે ડૉ. શ્રીરામ નેને અમેરિકામાં તાલીમ પામેલા કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જન છે. તેમણે કોલોરાડોની સ્કાયરિજ હોસ્પિટલમાં કાર્ડિયોવાસ્ક્યુલર સેવાઓના ડિરેક્ટર તરીકે લાંબો સમય સેવાઓ આપી છે. વર્ષ ૨૦૧૧માં તેઓ પરિવાર સાથે મુંબઈ સ્થળાંતરિત થયા હતા અને ક્લિનિકલ પ્રેક્ટિસની સાથે હેલ્થકેર ટેકનોલોજી તથા ડિજિટલ મીડિયાના માધ્યમથી સ્વાસ્થ્ય સેવાઓને લોકો સુધી પહોંચાડવાના કાર્યોમાં સક્રિય બન્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોથી ડૉ. નેને અને માધુરી દીક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા હેલ્થ અવેરનેસ અને ફિટનેસ અંગે સતત પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આ પુસ્તકના પ્રકાશન બાદ હવે તેઓ દેશભરમાં હેલ્થકેર ડિજિટાઈઝેશન અને પ્રિવેન્ટિવ મેડિસિનનો સંદેશ લોકો સુધી વ્યાપક પ્રમાણમાં પહોંચાડવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

(6:09 PM IST)