News of Monday, 6th July 2026
ડ્રેગને દક્ષિણ પેસિફિકમાં કરી પરમાણુ મિસાઇલની ગર્જના: ચીને રારોટોંગા સંધિના લીરેલીરા ઉડાડતા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ લાલઘૂમ
૧૯૮૬ ના પરમાણુ-મુક્ત ક્ષેત્રના વચનને તોડીને ચીની સબમરીનમાંથી છોડાઈ ઘાતક બેલિસ્ટિક મિસાઇલ, પ્રાદેશિક શાંતિ જોખમાતા અમેરિકાના સાથી દેશોમાં ભારે રોષ

સિડની : વૈશ્વિક સ્તરે પોતાની સૈન્ય તાકાતનો દબદબો બનાવવા માટે અધીરા બનેલા ચીને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય નિયમો અને પોતાના જ જૂના વચનોને નેવે મૂક્યા છે. સોમવારે ચીની સૈન્ય (PLA) એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં પોતાની પરમાણુ સંચાલિત સબમરીનમાંથી એક શક્તિશાળી લોન્ગ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ચીનની આ ઉશ્કેરણીજનક હરકત સામે પેસિફિક ક્ષેત્રના બે સૌથી પ્રભાવશાળી દેશો—ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સખત વાંધો ઉઠાવતા ડ્રેગન સામે આક્રોશ ઠાલવ્યો છે.
બપોરે ૧૨:૦૧ વાગ્યે મિસાઇલ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યો સમુદ્ર
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, આ મિસાઇલ બપોરે બરાબર ૧૨:૦૧ વાગ્યે સમુદ્રની અંદરથી લોન્ચ કરવામાં આવી હતી, જે 'ડમી' (નકલી) વોરહેડથી સજ્જ હતી. જો કે, ચીની સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કરીને દાવો કર્યો છે કે આ પ્રક્ષેપણ આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ એક નિયમિત વાર્ષિક મિલિટરી ટ્રેનિંગનો ભાગ હતું અને તેનો હેતુ કોઈ દેશને નિશાન બનાવવાનો નહોતો. પરંતુ, જે જગ્યાએ આ મિસાઇલ છોડવામાં આવી તે સ્થાન જ સૌથી મોટો વિવાદનું કારણ બન્યું છે.
૧૯૮૬ ની ઐતિહાસિક સંધિના લીરેલીરા ઉડાડ્યા
ચીનના આ પગલાથી સૌથી વધુ ગુસ્સે ભરાયેલા ન્યૂઝીલેન્ડે ખુલાસો કર્યો છે કે આ મિસાઇલ જે વિસ્તારમાં પડી, તે ૧૯૮૬ ની પ્રખ્યાત 'રારોટોંગા સંધિ' (Treaty of Rarotonga) હેઠળ સત્તાવાર રીતે ઘોષિત કરાયેલું 'પરમાણુ-મુક્ત ક્ષેત્ર' (Nuclear-Free Zone) છે.
વર્ષ ૧૯૮૭ માં જ્યારે ચીને પોતે આ સંધિના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા, ત્યારે તેણે વચન આપ્યું હતું કે તે આ શાંતિપ્રિય દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં ક્યારેય કોઈ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ નહીં કરે કે ન તો અહીંના દેશોને ધમકાવશે. હવે આ વચન તોડીને ચીને પોતાની આક્રમક મેલી મુરાદ સ્પષ્ટ કરી દીધી છે.
પેસિફિકના શક્તિશાળી દેશોએ શું આપી પ્રતિક્રિયા?
ન્યૂઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું કે, "આવી સૈન્ય પ્રવૃત્તિઓ સામે અમારી લાંબા સમયની ચિંતાઓ હોવા છતાં, ચીને અમને સત્તાવાર સૂચના આપ્યાના ગણતરીના કલાકોમાં જ આ મિસાઇલ બ્લાસ્ટ કરી દીધો, જે બિલકુલ સ્વીકાર્ય નથી."
ઓસ્ટ્રેલિયા-ફીજીના નવા ડિફેન્સ પેક્ટ વચ્ચે જ પરીક્ષણ: આ ઘટના બરાબર એ જ દિવસે બની જ્યારે ઓસ્ટ્રેલિયા અને ફીજી દેશોએ પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા જતા પ્રભાવ અને દાદાગીરીનો સામનો કરવા માટે એક નવા પરસ્પર સંરક્ષણ કરાર (Mutual Defence Agreement) પર હસ્તાક્ષર કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે ફીજીની ધરતી પરથી પત્રકારો સમક્ષ ચીનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, "ઓસ્ટ્રેલિયાએ ચીની સરકાર સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમે દક્ષિણ પેસિફિકમાં ચીનની આવી આક્રમક સૈન્ય પ્રવૃત્તિઓને આખા પ્રદેશની સુરક્ષા, અખંડિતતા અને સ્થિરતા માટે એક બહુ મોટો ખતરો માનીએ છીએ." આ ઘટના બાદ પેસિફિક મહાસાગરમાં લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
