News of Tuesday, 28th July 2026
"ડ્રેગન બનાવશે પોતાનો સૂર્ય!": ચીને તૈયાર કર્યું ૫૮૨ ટનનું વિશ્વનું સૌથી શક્તિશાળી ચુંબક, અમર્યાદિત ઉર્જા તરફ મોટું કદમ
સૂર્ય કરતાં પણ વધુ તાપમાન ધરાવતા 'પ્લાઝ્મા'ને નિયંત્રિત કરશે આ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ; ૨૦૩૦ સુધીમાં પરમાણુ ફ્યુઝન દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો ચીનનો સાહસિક રોડમેપ

બીજિંગ : સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને અખૂટ ઉર્જા મેળવવાની વૈશ્વિક દોડમાં ચીને એક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ચીની વૈજ્ઞાનિકોએ તેમના 'કૃત્રિમ સૂર્ય' (Artificial Sun) પ્રોજેક્ટ માટે વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ટોરોઇડલ ફિલ્ડ સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ (Superconducting Fusion Magnet) નું નિર્માણ અને સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ સફળતા સાથે જ ૨૦૩૦ સુધીમાં પરમાણુ ફ્યુઝન દ્વારા વ્યાવસાયિક વીજળી ઉત્પન્ન કરવાના ચીનના વિઝનને મોટો બળ મળ્યો છે.
ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા ફિઝિક્સ' દ્વારા વિકસાવવામાં આવેલું આ ચુંબક ૨૧ મીટર લાંબુ, ૧૨ મીટર પહોળું અને ૫૮૨ ટન વજન ધરાવતું એક વિશાળ D-આકારનું એન્જિનિયરિંગ અજાયબી છે.
️ શું છે 'કૃત્રિમ સૂર્ય' અને આ ચુંબકની ભૂમિકા?
'કૃત્રિમ સૂર્ય' એ વાસ્તવમાં એક ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર (Nuclear Fusion Reactor) છે, જે કુદરતી સૂર્યની અંદર ચાલતી ઉર્જા નિર્માણની પ્રક્રિયાને પૃથ્વી પર પુનરાવર્તિત કરે છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અણુઓ ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને એકબીજા સાથે ભળે છે.
· પ્લાઝ્માને કેદ રાખશે: આટલા પ્રચંડ તાપમાને કોઈપણ ભૌતિક ધાતુ પિગળી જાય. તેથી, આ ૫૮૨ ટનનું ચુંબક એક અતિ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર (Magnetic Field) ઉત્પન્ન કરે છે, જે ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ ગરમ 'પ્લાઝ્મા' ગેસને રિએક્ટરની દીવાલોને સ્પર્શ કર્યા વિના હવામાં જ ફસાવી (Contain) રાખે છે.
· ITER કરતાં ૩ ગણી વધુ ઉર્જા ક્ષમતા: આ ચુંબક વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફ્યુઝન પ્રોજેક્ટ (ITER) માટે વપરાયેલા ચુંબકો કરતાં ૧.૩ ગણું મોટું અને ૩ ગણી વધુ ઉર્જા સંગ્રહ ક્ષમતા ધરાવે છે.
️ માઈનસ ૨૬૯°C તાપમાન અને ૧૦૦% સ્વદેશી ટેકનોલોજી
ચીની ઇજનેરોએ આ ચુંબકની રચનામાં અદ્ભુત ચોકસાઈ દર્શાવી છે. આ ચુંબક માઈનસ ૨૬૯°C જેટલા નીચા તાપમાને ૬૦ વર્ષ સુધી સતત કાર્ય કરવા માટે સક્ષમ છે.
· ઝીરો રજિસ્ટન્સ: ચુંબકના મહત્વના સાંધાઓમાં વિદ્યુત પ્રતિકાર (Electrical Resistance) લગભગ શૂન્ય કરી દેવાયો છે, જેથી ૧,૦૦૦૦૦ એમ્પીયરથી વધુનો વીજ પ્રવાહ કોઈપણ ઉર્જાના વ્યય વગર વહી શકે.
· આત્મનિર્ભરતા: ચીને સ્પષ્ટ કર્યું છે કે આ ચુંબક અને તેના સેન્ટ્રલ સોલેનોઇડ કોઇલ (જેને ફ્યુઝન રિએક્ટરનું હૃદય કહેવાય છે) સંપૂર્ણપણે સ્થાનિક સામગ્રી અને ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે, જેનાથી વિદેશી નિર્ભરતાનો અંત આવ્યો છે.
૨૦૩૦ નો માર્ગ: વૈશ્વિક ઉર્જાનું ભવિષ્ય બદલાશે
આ વર્ષની શરૂઆતમાં ચીનના EAST ટોકમાકે ૧,૦૬૬ સેકન્ડ સુધી ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ચીનનો લક્ષ્યાંક ૨૦૨૭ સુધીમાં બર્નિંગ પ્લાઝ્મા રિએક્ટર પૂર્ણ કરવાનો અને ૨૦૩૦ સુધીમાં વિશ્વનું પ્રથમ 'ફ્યુઝન પાવર સ્ટેશન' શરૂ કરવાનો છે. જો આ ટેકનોલોજી સંપૂર્ણ સફળ થાય, તો પૃથ્વી પરથી કાર્બન ઉત્સર્જન અને ઉર્જા સંકટ કાયમ માટે દૂર થઈ જશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
