News of Saturday, 2nd May 2026
ડ્રેગનનો પારો સાતમા આસમાને: પાકિસ્તાન સાથેની 'હિમાલય જેવી ઊંચી' મિત્રતા હવે પતનના આરે?
UAE બાદ હવે ચીને પણ પાકિસ્તાનથી મોઢું ફેરવ્યું : સતત લોહિયાળ આતંકવાદી હુમલાઓથી બેઇજિંગની ધીરજ ખૂટી: CPEC પ્રોજેક્ટ પર જોખમના વાદળો વચ્ચે પાકિસ્તાની સેના અને સરકારની લાચારી છતી થઈ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની હાલત અત્યારે 'ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો' જેવી થઈ ગઈ છે. એક સમયે જે મિત્રો પર પાકિસ્તાન ગર્વ કરતું હતું, તે હવે એક પછી એક સાથ છોડી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાત સાથે સંબંધો બગડ્યા બાદ હવે ચીનનો ગુસ્સો પાકિસ્તાન પર ફાટી નીકળ્યો છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર જે પાકિસ્તાન માટે નસીબ બદલનારો પ્રોજેક્ટ માનવામાં આવતો હતો, તે હવે ચીની નાગરિકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી અને TTP જેવા સંગઠનોએ ચીની એન્જિનિયરોને નિશાન બનાવવાનું શરૂ કરતા જ બેઇજિંગે ઇસ્લામાબાદને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો સુરક્ષા નહીં મળે, તો મિત્રતાના કરારો તોડી નાખવામાં આવશે.
ચીની મીડિયા અને થિંક ટેન્ક્સમાં અત્યારે પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2021 થી અત્યાર સુધીમાં દાસુ બસ હુમલા અને શાંગલા વિસ્ફોટ જેવા અનેક આત્મઘાતી હુમલાઓમાં 20 થી વધુ ચીની નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ચીનની જનતા હવે સવાલ કરી રહી છે કે શાહબાઝ શરીફ અને જનરલ મુનીરની સેના આખરે કરી શું રહી છે? પેકિંગ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાનમાં વધતો ભ્રષ્ટાચાર અને સુરક્ષામાં મોટી ખામીઓ ચીનના જંગી રોકાણને ડૂબાડી શકે છે. ચીન હવે પાકિસ્તાનને એક "વ્યૂહાત્મક ભાગીદાર" તરીકે નહીં, પરંતુ એક "જોખમી જવાબદારી" તરીકે જોઈ રહ્યું છે, જ્યાં વચનો તો અપાય છે પણ અમલ શૂન્ય છે.
વાસ્તવિકતા એ છે કે ચીન પાકિસ્તાનનો ઉપયોગ માત્ર ભારત સામે એક 'પ્યાદા' તરીકે કરવા માંગતું હતું, પરંતુ હવે આ પ્યાદુ જ મોંઘુ પડી રહ્યું છે. પાકિસ્તાન પર ચીનનો વિશ્વાસ હવે સાવ તળિયે પહોંચી ગયો છે. જો સ્થિતિ વધુ બગડશે, તો CPEC જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ કાગળ પર જ રહી જશે અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે સાવ એકલું પડી જશે. જે દેશ પોતાના રક્ષકોને સુરક્ષા નથી આપી શકતો, તેને દુનિયાના અન્ય દેશો મદદ કરવાનું પણ બંધ કરી દેશે તે વાત હવે નિશ્ચિત જણાય છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
