News of Thursday, 16th July 2026
સામાન્ય માનવીના સપનાને મળશે નવી પાંખો: UDAN યોજનાના આગામી તબક્કામાં જોડાશે ૧૨૦ નવા શહેરો, આગામી ૧૦ વર્ષમાં ૪ કરોડ મુસાફરો ઉડાન ભરશે
કેન્દ્રીય મંત્રી કે. રામ મોહન નાયડુએ નવી દિલ્હીમાં ભવ્ય રોડમેપ જાહેર કર્યો; ₹૨૯,૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપોર્ટ સાથે દેશની કાયાપલટ થશે

નવી દિલ્હી : ભારતના સામાન્ય નાગરિકને સસ્તા દરમાં હવાઈ મુસાફરી કરાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (UDAN) હવે વધુ એક ઐતિહાસિક અને પાવરફુલ અવતારમાં દેશ સમક્ષ આવવા જઈ રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય વર્કશોપમાં જાહેરાત કરી છે કે, ઉડાન યોજનાના આગામી સુધારેલા તબક્કા હેઠળ દેશના વધુ ૧૨૦ અંતરિયાળ અને અપ્રાકૃતિક સ્થળોને હવાઈ નેટવર્ક સાથે જોડી દેવામાં આવશે. આ ભવ્ય વિસ્તરણને કારણે આગામી ૧૦ વર્ષમાં અંદાજે ૪ કરોડ જેટલા સામાન્ય મુસાફરો આકાશમાં ઉડવાની સુવિધાનો લાભ લઈ શકશે.
એરલાઇન્સને ૫ વર્ષ સુધી સપોર્ટ અને ટાયર-૨, ટાયર-૩ એરપોર્ટનો વિકાસ
સુધારેલી ઉડાન યોજનાની જોગવાઈઓ અંગે હિતધારકો (Stakeholders) સમક્ષ ખાસ પ્રેઝન્ટેશન આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે યોજનાને વધુ વ્યવહારુ અને લાંબાગાળાની બનાવવામાં આવી છે.
· વિશેષ નાણાકીય સહાય: નવી યોજના અંતર્ગત વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) ની પાત્રતાનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
· લાંબાગાળો સપોર્ટ: એરલાઇન્સ કંપનીઓને અગાઉ અપાતો ત્રણ વર્ષનો સરકારી સપોર્ટ વધારીને હવે પાંચ વર્ષ સુધીનો કરવામાં આવ્યો છે.
· ઓપરેશનલ સપોર્ટ: નાના શહેરો એટલે કે ટાયર-૨ અને ટાયર-૩ કેટેગરીના એરપોર્ટ માટે ખાસ ઓપરેશનલ અને જાળવણી (MRO) સહાય રજૂ કરવામાં આવી છે, જેથી આ એરપોર્ટ આર્થિક રીતે સક્ષમ બની શકે.
₹૨૯,૦૦૦ કરોડનું માળખું: ૧૦૦ એરપોર્ટ અને ૨૦૦ હેલિપોર્ટ બનશે
કેન્દ્ર સરકારે પ્રાદેશિક કનેક્ટિવિટીના આ મહાયજ્ઞ માટે અગાઉથી જ રૂપિયા ૨૯,૦૦૦ કરોડનું અધધ બજેટ નક્કી કરી લીધું છે. આ તોતિંગ ખર્ચની મદદથી આગામી એક દાયકામાં દેશના ખૂણે-ખૂણે વધુ ૧૦૦ આધુનિક એરપોર્ટ અને પહાડી તેમજ દુર્ગમ વિસ્તારો માટે ૨૦૦ નવા હેલિપોર્ટ (Heliports) નું નેટવર્ક ઊભું કરવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ નવો તબક્કો માત્ર મુસાફરી પૂરતો સીમિત નથી, પરંતુ દેશમાં જ વિમાન ઉત્પાદનને (Indigenous Aircraft Manufacturing) વેગ આપશે. આ ઉપરાંત જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ઇકોસિસ્ટમને મજબૂત બનાવીને લાખો યુવાનો માટે રોજગારીનું સર્જન કરશે, જે અંતે ‘આત્મનિર્ભર ભારત’ ના સંકલ્પને સાકાર કરશે.
ઓફિશિયલ વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ: પ્રાદેશિક આર્થિક વિકાસનો નવો રોડમેપ
આ વર્કશોપનું સૌથી મુખ્ય આકર્ષણ ‘ઉડાન યોજના દસ્તાવેજ’ (UDAN Scheme Document) નું સત્તાવાર લોન્ચિંગ હતું. આ સત્તાવાર દસ્તાવેજમાં આગામી તબક્કા માટે સરકારની દૂરંદેશી, ચોક્કસ ઉદ્દેશ્યો અને અમલીકરણ માળખાની સંપૂર્ણ રૂપરેખા આપવામાં આવી છે. આ વ્યૂહાત્મક રોડમેપ આગામી દિવસોમાં દેશના ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) માં પ્રગતિના નવા દ્વાર ખોલશે અને નાના શહેરોમાં પ્રાદેશિક આર્થિક વિકાસને બુસ્ટર ડોઝ આપશે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
