News of Wednesday, 8th July 2026
દહેજ પોર્ટ આવી રહેલા LNG જહાજ પર ઓમાનની ખાડીમાં ડ્રોન હુમલો!
જહાજમાં સવાર તમામ ક્રૂ સભ્યો સુરક્ષિતઃ કુલ ૨૯ ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં ૪ ભારતીય નાગરિકો પણ સામેલ છે

ઓમાન,તા.૦૮: ઓમાનની ખાડીમાં ભારત તરફ આવી રહેલા એક કોમર્શિયલ જહાજને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. આ જહાજ કતરના રાસ લાફાનથી LNG લઈને ગુજરાતના દહેજ બંદર તરફ આવી રહ્યું હતું. જહાજમાં કુલ ૨૯ ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં ૪ ભારતીય નાગરિકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. પ્રાથમિક માહિતી અનુસાર જહાજને થોડું નુકસાન થયું છે, પરંતુ તે પોતાની મુસાફરી ચાલુ રાખીને દહેજ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ કતરે આ હુમલાની કડક નિદા કરી છે અને ચેતવણી આપતાં કહ્યું છે કે હવે બહુ થયું, આવા હુમલાઓ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.
LNG લઈને ભારત આવી રહેલા LNGC AL REKAYYAT નામના આ જહાજ પર ૭ જુલાઈએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીકથી પસાર થતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોનો ઈરાદો જહાજને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો હતો. ડ્રોન દ્વારા જહાજના સૌથી સંવેદનશીલ ભાગ એટલે કે એન્જિન રૂમને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળે કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ગંભીર હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમુદ્રમાં કોઈ ખતરનાક લીકેજ પણ થયું નથી.
આ હુમલો સીધો ભારતની સપ્લાય ચેઇનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. કતરના રાસ લાફાનથી ગેસનો મોટો જથ્થો લઈને આ વિશાળ જહાજ સીધું ગુજરાતના દહેજ બંદર તરફ આવી રહ્યું હતું. જહાજમાં કુલ ૨૯ ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં ૪ ભારતીય નાગરિકો પણ સામેલ છે. રાહતની વાત એ છે કે તમામ ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો આ જીવલેણ હુમલામાં આબાદ બચી ગયા છે અને સંપૂર્ણ સુરક્ષિત છે.
હુમલાખોરોનો ઈરાદો જહાજને સમુદ્રમાં રોકી દેવાનો અથવા ડૂબાડી દેવાનો હતો, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ડ્રોન હુમલા અને ભારે નુકસાન છતાં ક્રૂએ ગજબની હિમત દાખવી હતી. તેમણે તરત જ આગ પર કાબૂ મેળવ્યો અને મુશ્કેલીનો સામનો કર્યો હતો. જહાજ મધ્ય સમુદ્રમાં અટક્યું નથી, પરંતુ હુમલા બાદ પણ દહેજ બંદર તરફ આગળ વધી રહ્યું છે. આ કોઈ એકમાત્ર ઘટના નથી. છેલ્લા ૨૪ કલાકમાં આ દરિયાઈ માર્ગ પર કોમર્શિયલ ટેન્કરો પર આ ત્રીજો મોટો સીધો હુમલો છે.
કતરના વિદેશ મંત્રાલયે આ હુમલા પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કતરના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. માજિદ અલ અન્સારીએ કહ્યું કે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીક કતરના જહાજ અલ-રેકય્યાતને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ હુમલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા, વૈશ્વિક ઊર્જા પુરવઠા અને સમુદ્રી માર્ગોની અવરજવરની સ્વતંત્રતા પર સીધો હુમલો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. કતરે ઈરાનને તાત્કાલિક એવી તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાની માગ કરી છે, જે પ્રાદેશિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની સલામતી માટે જોખમ ઉભું કરે છે. ડો. અલ અન્સારીએ કહ્યું કે, આ હુમલા તેમજ તેનાથી થયેલા તમામ નુકસાન અને તેના પરિણામો માટે ઈરાન સંપૂર્ણપણે કાનૂની રીતે જવાબદાર રહેશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
