તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 24th October 2026
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેક કામગીરીને કારણે વંદે ભારત સહિત અનેક એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડશે અને રદ રહેશે: મુસાફરો માટે મહત્વની યાદી જાહેર
જામવંથલી-અલિયાબાડા સેક્શનમાં બ્લોકને કારણે ઓખા-સાબરમતી વંદે ભારત અને દુરંતો સહિત અનેક લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર અને આંશિક રદ્દીકરણ

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આવતા જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં હાલ ડબલ ટ્રેક (ડબલિંગ) નું મહત્વનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ટેકનિકલ કામગીરી અને સુરક્ષાના કારણોસર રેલવે પ્રશાસન દ્વારા ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે તા. ૨૪ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી આ રૂટ પર દોડતી અનેક પ્રીમિયમ તથા લાંબા અંતરની ટ્રેનોના સમયપત્રકમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અસર અમદાવાદ સુધીના રૂટ પર પણ વર્તાશે, જેમાં વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ તા. ૩૦ ઑક્ટોબરે ૧ કલાક ૩૦ મિનિટ અને ૨ નવેમ્બરે ૨ કલાક ૧૦ મિનિટ વિલંબથી દોડશે. આ ઉપરાંત, ઓખા-બનારસ એક્સપ્રેસ તા. ૨૯ ઑક્ટોબરના રોજ ૧ કલાક ૫૫ મિનિટ મોડી રહેશે, તેમજ વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો જેવી મહત્વની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરાયા છે. ડબલિંગની આ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે (શોર્ટ ટર્મિનેટ).
ટ્રેનોના આંશિક રદ્દીકરણ અંગે વાત કરીએ તો, ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૨૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી માત્ર ભાવનગરથી રાજકોટ વચ્ચે જ દોડશે અને રાજકોટ-ઓખા વચ્ચે રદ રહેશે. તે જ રીતે, ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૨૫ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે જ ચાલશે અને ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે. જ્યારે ૨૪ ઓક્ટોબરે ઓખાથી ઉપડનારી આ ટ્રેન ૧ કલાક ૩૫ મિનિટ મોડી ઉપડશે. આ ઉપરાંત, વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૮ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી વડોદરાથી માત્ર રાજકોટ સુધી જ દોડશે અને જામનગર સુધી નહીં જાય.
સંપૂર્ણપણે રદ્દ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર ૫૯૫૫૨ ઓખા-રાજકોટ લોકલ અને ૫૯૫૫૧ રાજકોટ-ઓખા લોકલ (૨૪ ઓક્ટોબરથી ૪ નવેમ્બર), તેમજ ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ અને ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસ (૨૮ ઓક્ટોબરથી ૪ નવેમ્બર) નો સમાવેશ થાય છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્ટેશન પર અસુવિધાથી બચવા માટે પ્રવાસ શুরু કરતા પહેલા પોતાની ટ્રેનનો સુધારેલો સમય અવશ્ય ચકાસી લે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
