તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 15th September 2026
ભારતમાં ઇ-કોમર્સ ક્રાંતિ: એમેઝોન નાઉએ ટૂંક જ સમયમાં વાર્ષિક રૂ. ૮,૪૦૦ કરોડ ($૧ બિલિયન)ના ગ્રોસ સેલ્સનો આંકડો વટાવીને રચ્યો નવો ઇતિહાસ
ઓર્ડરમાં સતત પ્રતિ ક્વાર્ટર બમણો ઉછાળો નોંધાયા બાદ કંપનીએ તહેવારોની મોસમ પૂર્વે દેશના ૬૦થી વધુ નાના-મોટા શહેરોમાં મિનિટોમાં ડિલિવરી નેટવર્ક વિસ્તાર્યું, દિવાળી સુધીમાં ૧૦૦ શહેરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી: ભારતીય ઇ-કોમર્સ ક્ષેત્રે ઝડપી ડિલિવરી (ક્વિક કોમર્સ)ના વધતા ક્રેઝ વચ્ચે દિગ્ગજ ઓનલાઇન રિટેલર એમેઝોને એક મોટો માઇલસ્ટોન હાસલ કર્યો છે. કંપનીની અતિઝડપી ડિલિવરી સર્વિસ 'એમેઝોન નાઉ' (Amazon Now) એ ભારતમાં ૧ બિલિયન ડોલર (આશરે રૂ. ૮,૪૦૦ કરોડ)ના વાર્ષિક ગ્રોસ સેલ્સ (Gross Sales Run Rate)નો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે. સેવા શરૂ થયા બાદથી કંપનીના ઓર્ડરના વોલ્યુમમાં દર ક્વાર્તરે બમણો વધારો નોંધાયો છે, જેના પરિણામે આ સર્વિસ એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી ગ્રોથ નોંધાવનાર બિઝનેસ યુનિટ બની ગઈ છે.
તહેવારોની આગામી મોસમને ધ્યાનમાં રાખીને કંપનીએ માત્ર ૧૦ અઠવાડિયાથી ઓછા સમયમાં પોતાનું નેટવર્ક ૪ ગણું વધારીને દેશના ૬૦થી વધુ નાના-મોટા શહેરો અને નગરો સુધી મિનિટોમાં ડિલિવરી આપવાની ક્ષમતા કેળવી લીધી છે. એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી હેડ સમીર કુમારે જણાવ્યું હતું કે, ગ્રાહકો તરફથી મળેલો પ્રતિસાદ અભૂતપૂર્વ છે. ઉત્તરમાં ગુરદાસપુર અને હોશિયારપુરથી લઈને દક્ષિણમાં વેમ્બાયમ અને આલમકોડ જેવા નાના વિસ્તારો સુધી આ સર્વિસ વિસ્તારવામાં આવી છે. કંપની દિવાળી સુધીમાં આ સેવાનો વ્યાપ ૧૦૦ શહેરો સુધી અને લાંબા ગાળે દેશના ૩૦૦થી વધુ શહેરો સુધી પહોંચાડવાના લક્ષ્યાંક પર ઝડપથી કામ કરી રહી છે.
મહાનગરો ઉપરાંત આ સેવાનો લાભ હવે પદુબિદ્રી, તિરુપતિ, ગુંટૂર, જાલંધર, વેલ્લોર, ધારવાડ, વારંગલ અને બેરહામપુર જેવા નોન-મેટ્રો શહેરોના ગ્રાહકો પણ લઈ રહ્યા છે. આ વિશાળ કામગીરીને પહોંચી વળવા માટે કંપનીએ ૭૫૦થી વધુ માઇક્રો-ફુલફિલમેન્ટ અને અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર્સનું મજબૂત નેટવર્ક તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ પર દૈનિક જરૂરિયાતો, ગ્રોસરી, તાજા શાકભાજી, ફ્રોઝન ફૂડ, પર્સનલ કેર, ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ અને ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવી લાખો ચીજવસ્તુઓ મિનિટોમાં ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારે તેજી જોવા મળી રહી છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, ક્વિક કોમર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે ભારતનું ઇ-કોમર્સ ક્ષેત્ર વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૮.૪ ટકાના વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે ૩૪૫ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. એમેઝોનની આ આક્રમક વિસ્તરણ નીતિથી ભારતના રિટેલ માર્કેટમાં સ્પર્ધા વધુ તીવ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
