<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

અફઘાનિસ્તાન, જમ્મુ-કાશ્મીર અને તિબેટમાં ભૂકંપના આંચકા: હિમાલયન બેલ્ટમાં સતત ધ્રૂજતી ધરતીથી લોકોમાં ફાફડાટ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાનમાં ૪.૨ અને કિશ્તવાડમાં ૩.૨ની તીવ્રતા નોંધાઈ; છેલ્લા ત્રણ દિવસમાં એક જ પટ્ટામાં બેથી ત્રણ ભૂકંપ આવતા ચિંતા વધી

કાબુલ, તા.૦૯: એશિયાના હિમાલયન અને પહાડી વિસ્તારોમાં ભૂકંપનું સતત આવવું ચિંતાનો વિષય બન્યું છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા મુજબ, ભૂકંપ સવારે આશરે ૧૦:૦૧ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી ૨૧૫ કિલોમીટર ઊંડે નોંધાયું હતું. રાહતની વાત એ છે કે આ આંચકાના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી.

માત્ર અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ ભારતના જમ્મુ અને કાશ્મીર સ્થિત કિશ્તવાડમાં પણ આજે વહેલી સવારે ૫:૪૦ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની ઊંડાઈ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. આ સિવાય પૂર્વોત્તર ભારતના અરૂણાચલ પ્રદેશમાં પણ ગઈકાલે વહેલી સવારે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓએ સ્થાનિક રહેવાસીઓમાં ફાફડાટ અને ભયનો માહોલ સર્જ્યો છે.

છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો તિબેટ અને નેપાળના પટ્ટામાં પણ ભૂકંપની શ્રેણી જોવા મળી છે. મંગળવારે તિબેટમાં ૫.૩ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જ્યારે તે પહેલા પણ ૫.૦ ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. નેપાળ અને તિબેટના વિસ્તારો હાલમાં જ ભારે પૂરની હોનારતમાંથી પસાર થઈ રહ્યા છે, તેવામાં કુદરતી આફત ઉપર ભૂકંપના આંચકા આવતા પરિસ્થિતિ વધુ જોખમી બની છે.

સિસ્મોલોજિસ્ટ્સના મતે, આ સમગ્ર પહાડી વિસ્તાર એક જ ટેક્ટોનિક પ્લેટ લાઇન પર આવેલો હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત ભૂકંપના કંપનો નોંધાઈ રહ્યા છે. હાલમાં NCS અને સંબંધિત સંસ્થાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને લોકોને ભૂકંપ સંબંધિત સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(5:29 PM IST)