News of Tuesday, 20th October 2026
ઉત્તર પ્રદેશના એટામાં નવરાત્રીના નવ દિવસના ઉપવાસ છોડ્યા બાદ ચાઉમીન ખાતી 14 વર્ષની વિદ્યાર્થીનીની શ્વાસનળીમાં નૂડલ્સ ફસાઈ જવાથી કરૂણ મોત: તબીબોએ ફાસ્ટ ફૂડ ખાતી વખતે રાખવાની ચેતવણી આપી
માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલી સગીરાની તબિયત ઓટોમાં અચાનક લથડી; લાંબા નૂડલ્સ શ્વાસનળીમાં જતા શ્વાસ રૂંધાવાથી થયું દુઃખદ અવસાન.

એટા, તા.20: ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના મિરહચી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. નવરાત્રીના 9 દિવસના પવિત્ર ઉપવાસ પૂરા કર્યા બાદ માતાજીના દર્શને ગયેલી 14 વર્ષની માસૂમ વિદ્યાર્થીની તનુ ઉર્ફે ભાવનાનું ચાઉમીન ખાતી વખતે શ્વાસનળીમાં નૂડલ્સ ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ અણધારી અને આઘાતજનક દુર્ઘટનાના કારણે શોકમગ્ન પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે તબીબોએ ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ખાતી વખતે વિશેષ સાવધાની રાખવાની ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
મૃતક સગીરાના પરિવારના જણાવ્યા અનુસાર, નોઈડાની ખાનગી કંપનીમાં નોકરી કરતા શરદ શ્રીવાસ્તવની 10 માં ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની પુત્રી તનુએ નવરાત્રીના આખા 9 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખ્યું હતું. નોમના દિવસે વિધિવત કન્યા પૂજન સંપન્ન કર્યા બાદ તેણે પોતાનું વ્રત છોડ્યું હતું. બપોરે આશરે 1 વાગ્યે માતા કલ્પના શ્રીવાસ્તવ, નાની બહેન મનુ, 3 વર્ષનો નાનો ભાઈ અને ફોઈ નીલમ સાથે તનુ કાસગંજ સ્થિત પ્રખ્યાત ચામુંડા દેવી મંદિરના દર્શન કરવા માટે ગઈ હતી.
મંદિરના દર્શન અને પૂજા-અર્ચના બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે તનુએ પરિવાર સાથે બહાર પહેલા આઈસ્ક્રીમ અને ત્યારબાદ ચાઉમીન ખાધી હતી. કાસગંજ બસ સ્ટેન્ડથી ઓટોરિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી તે દરમિયાન તેણે કોલ્ડ્રિંક્સ પણ પીધું હતું. પરિવાર સાથે હસતી-રમતી પરત ફરી રહેલી તનુની તબિયત ઓટોરિક્ષા નદરાઈ પાસે પહોંચી ત્યારે અચાનક જ લથડી હતી, તેને ઉલટી થઈ અને થોડી જ ક્ષણોમાં તે ઓટોમાં બેભાન થઈ ગઈ હતી.
પરિવારજનો તેને તાત્કાલિક મિરહચી સ્થિત સ્થાનિક તબીબ પાસે દોડાવી ગયા હતા, જ્યાંથી તબિયત વધુ નાજુક જણાતા તેને કાસગંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ કરીને તનુને મૃત જાહેર કરી હતી. તબીબોએ બાદમાં ખુલાસો કર્યો હતો કે ચાઉમીનનો લાંબો ટુકડો તેની શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે શ્વાસ રૂંધાઈ ગયો હતો, જેના લીધે તેનું દુઃખદ અવસાન થયું હતું.
આ ઘટના અંગે મેડિકલ કોલેજના તબીબોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે નૂડલ્સ ખૂબ જ લાંબા, લીસા અને ચીકણા હોય છે. જો તેને સરખી રીતે ચાવીને ખાવામાં ન આવે તો તે સરળતાથી ગળામાં સરકીને સીધા શ્વાસનળીમાં જઈને ફસાઈ શકે છે. તેથી ફાસ્ટ ફૂડ ખાતી વખતે હંમેશા ઝીણા ટુકડા કરીને ચાવીને ખાવું જોઈએ તથા ખાતી વખતે બોલવું કે હસવું જોઈએ નહીં જેથી શ્વાસનળીમાં ખોરાક ન જાય.
જો ક્યારેય કોઈ વ્યક્તિની શ્વાસનળીમાં ખોરાક કે નૂડલ્સ અચાનક ફસાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય, તો તાત્કાલિક 'હાઇમલિચ મેન્યુવર' (Heimlich Maneuver) પ્રાથમિક સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિ અંતર્ગત પીડિત વ્યક્તિની પાછળ ઊભા રહીને તેના પેટના ઉપરના ભાગે બંને હાથ વડે ઝડપથી દબાણ આપવાથી ફેફસાંમાંથી હવા બહાર ધકેલાય છે અને ફસાયેલો ખોરાક બહાર નીકળી જતા જીવ બચી શકે છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
