<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

દૂધ અને શાકભાજી મોંઘા થતાં રેસ્‍ટોરન્‍ટમાં ખાવાનું મોંઘું

દેશભરમાં ઘરબહાર જમવું મોંઘું, ઘી-માખણ અને દૂધના વધ્‍યા ભાવ : દૂધ, પનીર, ઘી, માખણ, ચોખા, દાળ, તેલ અને શાકભાજીના ભાવ વધવાથી છેલ્‍લા ૬-૮ મહિનામાં રેસ્‍ટોરન્‍ટનો ખર્ચ ૧૦ ટકા સુધી વધી ગયો છે

નવી દિલ્‍હી,તા.૧૪: વધતી મોંઘવારીની અસર હવે રેસ્‍ટોરન્‍ટના મેનૂ પર પણ જોવા મળી રહી છે. દૂધ, પનીર, ઘી, માખણ, ચોખા, દાળ, તેલ અને શાકભાજીના ભાવ વધવાથી છેલ્‍લા ૬-૮ મહિનામાં રેસ્‍ટોરન્‍ટનો ખર્ચ ૧૦ ટકા સુધી વધી ગયો છે.

દેશભરમાં હવે બહાર ખાવા-પીવાનું મોંઘું થવા લાગ્‍યું છે. કોફી, ડોસા અને રોજિદા ભોજનની થાળી માટે લોકોને પહેલા કરતા વધુ નાણાં ખર્ચવા પડી રહ્યા છે. વાસ્‍તવમાં, દૂધ, પનીર, ઘી, માખણ, ચોખા, દાળ, ખાંડ, તેલ અને શાકભાજીની કિમતોમાં વધારો થવાને કારણે રેસ્‍ટોરન્‍ટ સંચાલકો પર ખર્ચનું દબાણ વધી ગયું છે. આ સ્‍થિતિમાં અનેક રેસ્‍ટોરન્‍ટોએ પોતાના મેનૂમાં ૫ થી ૧૦ ટકા સુધીનો વધારો કરી દીધો છે.

છેલ્‍લા ૬ થી ૮ મહિનામાં ખાવા-પીવાની ચીજવસ્‍તુઓ અને અન્‍ય જરૂરી સામાનની પડતર કિમત આશરે ૧૫થી ૨૦ ટકા સુધી વધી ગઈ છે. આ સિવાય ગેસ અને ઈંધણના ભાવમાં થયેલા વધારાએ પણ ધંધાકીય ખર્ચમાં વધારો કર્યો છે. દૂધ, પનીર, ચીઝ અને અન્‍ય ખાદ્ય સામગ્રી મોંઘી થવાથી રેસ્‍ટોરન્‍ટના નફા પર અસર પડી રહી છે. તેથી હવે આ વધેલા ખર્ચનો થોડો બોજ ગ્રાહકો પર નાખવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને દૂધથી બનતી ચીજવસ્‍તુઓની કિમતોમાં થયેલા વધારાની અસર રેસ્‍ટોરન્‍ટના મેનૂ પર સ્‍પષ્ટપણે દેખાઈ રહી છે. ઘી અને માખણ મોંઘા થવાથી ડોસા, ચોખામાંથી બનતી વાનગીઓ અને અન્‍ય ઘણી ડિશની પડતર કિમત વધી ગઈ છે. છેલ્‍લા ૨.૫ મહિનામાં ઘી અને માખણની કિમત લગભગ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો વધી ગઈ છે. તેમાં આશરે ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો છે. તેની અસર અનેક રેસ્‍ટોરન્‍ટોના ખાવા-પીવાના પીણાં અને વાનગીઓની કિમતો પર પડી છે.

દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે ૧૨ નવેમ્‍બરથી પોતાના તાજા પેકેટવાળા દૂધની કિમત ૨થી ૪ રૂપિયા પ્રતિ લિટર વધારી દીધી છે. 'અમૂલ તાજા' ૨ રૂપિયા અને 'અમૂલ ગોલ્‍ડ' ૪ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ સાથે જ, મધર ડેરીએ પણ દિલ્‍હી-એનસીઆરમાં દૂધની કિમતોમાં ૨ થી ૪ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો છે. આ પહેલા કર્ણાટક મિલ્‍ક ફેડરેશને 'નંદિની' દૂધ ૮ રૂપિયા પ્રતિ લિટર અને દહીં ૧૪ રૂપિયા પ્રતિ કિલો મોંઘા કર્યા હતા. દૂધ મોંઘું થવાથી પનીર, ચીઝ, મીઠાઈઓ અને દૂધથી બનતા અન્‍ય ઉત્‍પાદનોની પડતર પણ વધી જાય છે.

રેસ્‍ટોરન્‍ટ્‍સ માટે મુશ્‍કેલી માત્ર દૂધ અને તેના ઉત્‍પાદનો પૂરતી મર્યાદિત નથી. ચોખા, દાળ, ખાંડ, ખાવાનાં તેલ અને શાકભાજીની કિમતોમાં પણ વધારો થયો છે. આ ચીજવસ્‍તુઓના ભાવ વધવાથી કુલ ખર્ચ ૫ થી ૭ ટકા સુધી વધી ગયો છે. અગાઉ જે ભોજનની થાળીની કિમત ૧૦૦ રૂપિયા હતી, હવે તેના માટે ૧૦૫થી ૧૧૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

(10:04 AM IST)