News of Wednesday, 27th May 2026
ઇડી બન્યું મહાશક્તિશાળી: સ્ટાફમાં ત્રણ ગણો તોતિંગ વધારો : આર્થિક ગુનેગારોની ખેર નથી
વિપક્ષના આકરા પ્રહારો અને રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક : પીએમએલએ અને ફેમા હેઠળ ઝડપી એક્શન માટે વકીલો, ડિજિટલ નિષ્ણાતો અને ઓન-ગ્રાઉન્ડ ઓફિસર્સની નવી આર્મી તૈયાર

નવી દિલ્હી: દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષ દ્વારા સતત મચાવવામાં આવી રહેલા હોબાળા વચ્ચે, કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને અભૂતપૂર્વ કાનૂની અને વહીવટી સુપરપાવર આપી દીધી છે. સરકારે દેશના આર્થિક ગુનાઓ પર લગામ લગાવવા માટે ED ના માળખામાં અત્યાર સુધીનું સૌથી મોટું કેડર પુનર્ગઠન (રીસ્ટ્રક્ચરિંગ) મંજૂર કર્યું છે. આ ઐતિહાસિક નિર્ણય હેઠળ, એજન્સીમાં વરિષ્ઠ અધિકારીઓથી લઈને જમીન સ્તરે દરોડા પાડતા સ્ટાફની સંખ્યામાં સીધો ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતાઓની ફરિયાદો અને રાજકીય આક્ષેપોની પરવા કર્યા વિના, સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડો આચરનારા મોટા માથાઓ સામેની કાનૂની કાર્યવાહી હવે વધુ આક્રમક અને સચોટ બનશે.
આ નવી સિસ્ટમ અંતર્ગત ખાસ કરીને ડેપ્યુટી ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર જેવા ચાવીરૂપ હોદ્દાઓ પર સૌથી મોટો સ્ટાફ વધારો કરવામાં આવ્યો છે. આ એવા પાયાના અધિકારીઓ છે જે માત્ર ઓફિસમાં બેસીને ફાઈલો પર સહી નથી કરતા, પરંતુ મની લોન્ડરિંગના ગુપ્ત નેટવર્કને શોધવા, દરોડા પાડવા, આરોપીઓની આકરી પૂછપરછ કરવા અને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવા માટે સીધા જવાબદાર હોય છે. આ ઉપરાંત, ED ની કાનૂની પાંખને મજબૂત કરવા માટે વકીલોની મોટી સેના અને ઓનલાઈન આર્થિક ફ્રોડ પકડવા માટે ડિજિટલ સિસ્ટમ્સ તેમજ સાયબર નિષ્ણાતોની આખી નવી કેડર ઊભી કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ એજન્સીના વર્તમાન બજેટમાંથી જ પૂરો કરવામાં આવશે.
સરકારના આ આકરા વલણ પાછળનો તર્ક બહુ સ્પષ્ટ છે કે, ડિજિટલ યુગમાં મની લોન્ડરિંગ (PMLA) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કેસોમાં અસાધારણ વધારો થયો છે. કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને આરજેડી સહિતના તમામ વિપક્ષી પક્ષો જ્યારે સરકાર પર રાજકીય બદલાની ભાવનાથી તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે આ કડક નિર્ણયથી સરકારે સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન રોકાશે નહીં. હવે જ્યારે એજન્સી પાસે કાનૂની અને માનવશક્તિનું વિશાળ કવચ છે, ત્યારે આગામી દિવસોમાં દેશભરમાં આર્થિક ગુનાઓ અને વિદેશી ભંડોળની હેરાફેરી સામે ED ના દરોડાની હેટ્રિક જોવા મળી શકે છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
