તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ED ને ફટકો: ૨૪ કલાકના નિયમ મુદ્દે વિશેષ કોર્ટે વકીલને મુક્ત કર્યા
મુંબઈ એરપોર્ટ પર LOC હેઠળ અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરવામાં વિલંબ અંગે કોર્ટની ટકોર, ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ ફગાવી, બોમ્બે હાઈકોર્ટમાં પડકારની તૈયારી.

મુંબઈ : મહાદેવ સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ ન કરવા બદલ મુંબઈની વિશેષ PMLA કોર્ટે દિલ્હીના વકીલ હિમાંશુ શેખર ઉર્ફે મોહિતને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આંચકો લાગ્યો છે.
અહેવાલો મુજબ, ૨૦ નવેમ્બરના રોજ બપોરે ૩ વાગ્યે દુબઈ જતા ૪૩ વર્ષીય શેખરને રાયપુર ED દ્વારા જારી કરાયેલા લુક આઉટ સર્ક્યુલરના આધારે મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે અટકાવાયા હતા, ત્યારબાદ પ્રક્રિયા બાદ રાત્રે ૧:૧૦ વાગ્યે વિધિવત ધરપકડ કરાઈ હતી.
કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ સુનીલ ગોન્સાલ્વેસે ૨૪ કલાકની સમયમર્યાદામાં રજૂ કરાયા હોવાની દલીલ સાથે મુસાફરીનો સમય બાદ કરવાની રજૂઆત કરી હતી, જ્યારે બચાવ પક્ષે ફરજિયાત પ્રક્રિયાઓના પાલન ન થયાનો વિરોધ નોંધાવ્યો હતો.
સત્તાવાર કોર્ટ અવલોકન મુજબ, LOC હેઠળ બપોરે ૩:૦૩ વાગ્યાથી અટકાયત ગણવાપાત્ર હોવાનું જણાવી કોર્ટે કહ્યું કે અધિકારીઓ પાસે પૂરતો સમય હોવા છતાં નિયત સમયમર્યાદાનું પાલન થયું નથી અને મુસાફરીના સમયનું બહાનું માન્ય રહી શકે નહીં.
કેસની પૃષ્ઠભૂમિમાં ED એ શેખર પર છેલ્લા ત્રણ વર્ષમાં દુબઈ પ્રવાસ, મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર સાથે મુલાકાત અને હવાલા મારફતે રોકડ મેળવવાના આક્ષેપો કર્યા હતા, જેને શેખરે કોર્ટમાં નકારી કાઢ્યા હતા.
હવે વિશેષ કોર્ટના મુક્તિ આદેશ સામે ED દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી, કાનૂની દલીલો અને કેસની આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
