તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ED કોઈ 'સુપર કોપ' નથી કે પોતાની મરજીથી કેસ તપાસે : કર્ણાટક હાઈકોર્ટે કોંગ્રેસ નેતા સામેનો PMLA કેસ કર્યો રદ
પૂર્વનિર્ધારિત ગુનો રદ થયા પછી પણ ED દ્વારા મની લોન્ડરિંગ તપાસ ચાલુ રાખવા સામે કોર્ટની આકરી ટિપ્પણી: માલુરના કોંગ્રેસ ધારાસભ્ય નાનજે ગૌડાને મોટી રાહત આપતો ઐતિહાસિક ચુકાદો

બેંગલુરુ: ઇડીના અપરંપરાગત અને અમર્યાદિત અધિકારો પર લગામ લગાવતા કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માલુરના ધારાસભ્ય કે.વાય. નાનજે ગૌડા સામેના મની લોન્ડરિંગ કેસને ફગાવી દેતા કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે, "ED કોઈ દેશની 'સુપર કોપ' નથી જે દરેક કેસમાં પોતાની મરજી મુજબ તપાસનો વ્યાપ વધારી શકે." જસ્ટિસ એમ.આઈ. અરૂણની સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે દેશમાં વિવિધ તપાસ સંસ્થાઓ વચ્ચે શક્તિ અને સત્તાનું સંતુલન જાળવવા માટે કાયદાએ ચોક્કસ મર્યાદાઓ નક્કી કરી છે અને ED એ પણ કાયદાના આ દાયરામાં જ રહીને કાર્ય કરવું પડશે.
આ કાનૂની સંઘર્ષ ૮૦ એકર સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીના આરોપોથી શરૂ થયો હતો, જેમાં માલુર જમીન ગ્રાંત સમિતિના તત્કાલીન અધ્યક્ષ નાનજે ગૌડા પર પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. જોકે, મૂળ કેસમાં સરકારી મંજૂરીના અભાવે ટ્રાયલ કોર્ટે જમીન કૌભાંડનો મૂળ ગુનો જ રદ કરી દીધો હતો અને પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. તેમ છતાં, ED એ જપ્ત કરેલી મિલકતો પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને દૂધ સંઘમાં ભરતી કૌભાંડના નવા આરોપો ઉમેરીને ખાસ કોર્ટમાં પોતાની નવી ખાનગી ફરિયાદ દાખલ કરી તપાસ આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો.
હાઈકોર્ટે આ બાબતને ગેરકાયદેસર ઠેરવતા સ્પષ્ટ કર્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે પૂર્વનિર્ધારિત ગુનો સ્થાપિત હોવો અનિવાર્ય છે. જો મૂળ ફોજદારી કેસ પોતે જ કાયદાકીય રીતે સમાપ્ત થઈ જાય, તો તેના આધારે શરૂ કરાયેલી EDની મની લોન્ડરિંગ કાર્યવાહી પણ સ્વચાલિત રીતે રદ થઈ જાય છે. શંકાના આધારે કે પોતાની રીતે સ્વતંત્ર ખાનગી ફરિયાદ દાખલ કરીને મની લોન્ડરિંગનો કેસ ચાલુ રાખી શકાય નહીં. હાઈકોર્ટના આ નિર્ણાયક ચુકાદાથી એજન્સીઓના દુરુપયોગ અંગે દેશભરમાં ચાલતી રાજકીય ચર્ચાઓ વચ્ચે એક મોટો કાનૂની નઝીર સ્થાપિત થયો છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
