<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

₹૧૫૦ કરોડના GMADA કૌભાંડમાં ED ની મોટો ધડાકો: જલંધરથી દિલ્હી સુધી સપાટો, પ્રિન્સિપાલ સેક્રેટરી IAS વિકાસ ગર્ગની ઓફિસ સહિત અનેક ઠેકાણે દરોડા!

દિલ્હી, ચંદીગઢ, મોહાલી અને લુધિયાણામાં ED ની ટીમો ત્રાટકી: જમીન ઉપયોગ પરિવર્તન (CLU) અને ફી ગેરરીતિ કેસમાં મોબાઈલ જપ્ત કરી કોમ્પ્યુટર રેકોર્ડ ખંગાળાયા

નવી દિલ્હી, તા.૨૨: ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA) માં અંદાજે ₹૧૫૦ કરોડથી વધુના ભ્રષ્ટાચાર અને કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે મંગળવારે મોટો સપાટો બોલાવ્યો છે. જલંધર, ચંદીગઢ અને દિલ્હીની ED ની સંયુક્ત ટીમોએ ત્રણ વાહનોમાં આવીને મોહાલીમાં આવેલા GMADA કાર્યાલય તેમજ પંજાબ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી આઈએએસ (IAS) વિકાસ ગર્ગની ઓફિસ પર ત્રાટકીને સઘન દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન અધિકારીઓના ફોન જપ્ત કરી લેવાયા છે અને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો તથા કોમ્પ્યુટર રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી ₹૧૫૦ કરોડથી વધુના લેન્ડ યુઝ ચેન્જ (CLU) કૌભાંડ અને ફી ગેરરીતિઓની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તપાસનો આંચકો 'સનટેક સિટી' (ન્યૂ ચંદીગઢ) સહિતના અનેક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સુધી લંબાયો છે. ED ની ટીમોએ અગાઉ આ કેસ સાથે જોડાયેલા બે અગ્રણી બિલ્ડરોના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા.

તપાસનો સેકો ઉચ્ચ આઈએએસ (IAS) અધિકારીઓ સુધી પહોંચ્યો

આ કૌભાંડમાં મોટા ગજાના સત્તાધીશો અને સિવિલ સર્વન્ટ્સ સંકળાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના પૂર્વ ડિરેક્ટર અને આઈએએસ અધિકારી કંવલપ્રીત બ્રારની ૧૮ અને ૨૭ ઓગસ્ટના રોજ ૯ કલાકથી વધુ સમય સુધી કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય પૂર્વ મુખ્ય સચિવ અનુરાગ વર્મા પણ ૯ સપ્ટેમ્બરે જલંધર સ્થિત ED ના પ્રાદેશિક કાર્યાલયમાં હાજર થયા હતા, જ્યાં તેમની ૮ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરાઈ હતી.

૧૦ સપ્ટેમ્બરે તપાસ એજન્સીએ મોહાલીના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) ને પણ સમન્સ પાઠવી કેસ સંબંધિત તમામ કાનૂની રેકોર્ડ્સ માંગ્યા હતા. મંગળવારે જીએમએડીએ (GMADA) ઓફિસમાં થયેલા દરોડા બાદ રાજ્યના સનસનાટી મચી ગઈ છે અને ED દ્વારા ટૂંક સમયમાં જ કેટલાક મોટા નામોની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(4:33 PM IST)