News of Monday, 11th May 2026
બેંગલુરુ ક્રિપ્ટો કૌભાંડમાં ED નો મોટો ધડાકો: માસ્ટરમાઇન્ડ હેકર ‘શ્રીકી’ની ધરપકડ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદના પરિવારો સુધી પહોંચ્યા તપાસના તાર!
૧૨ સ્થળોએ દરોડા બાદ મુખ્ય હેકર સહિત ૩ શખ્સો જેલહવાલે; સરકારી ગેટવે હેક કરી કરોડોની ઉચાપત અને ક્રિપ્ટોકરન્સી દ્વારા મની લોન્ડરિંગનો પર્દાફાશ

બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લાંબા સમયથી ગાજી રહેલા ક્રિપ્ટોકરન્સી અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આખરે સપાટો બોલાવ્યો છે. હાઈ-પ્રોફાઈલ દરોડાઓના દોર બાદ, ED એ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત હેકર શ્રીકૃષ્ણ ઉર્ફે 'શ્રીકી' ની ધરપકડ કરી છે. શ્રીકીની સાથે તેના સહયોગીઓ રોબિન ખાંડેવાલા અને મનીષ હેગડેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૦ દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
રાજકીય કનેક્શન અને હાઈ-પ્રોફાઈલ દરોડા
આ કેસમાં તપાસનો વ્યાપ એટલો મોટો છે કે ED એ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય એન.એ. હેરિસના બે પુત્રો - મોહમ્મદ નાલાપથ અને ઓમર નાલાપથ, તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી કે. રહેમાન ખાનના પુત્ર આકીબ ખાનના નિવાસસ્થાનો સહિત કુલ ૧૨ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સીઆઈડી (CID) દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે કરવામાં આવી છે, જેમાં કોવિડકાળ દરમિયાન સરકારી પોર્ટલ હેક કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.
હેકિંગની મોડસ ઓપરેન્ડી: સરકારી ખજાના પર તરાપ
તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીકી અને તેની ટોળકીએ કર્ણાટક સરકારના ઇ-પ્રોક્યોરમેન્ટ (ખરીદી) ગેટવેને હેક કરીને કરોડો રૂપિયા અનેક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આ રકમને બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી વિદેશી પ્લેટફોર્મ્સ દ્વારા લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ૨૦ એપ્રિલના દરોડા બાદ પણ શ્રીકીએ અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીના સર્વરને હેક કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો, જેના કારણે ED એ તાત્કાલિક તેની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો.
ડાર્ક માર્કેટનો બેતાજ બાદશાહ 'શ્રીકી'
શ્રીકૃષ્ણ રમેશ ઉર્ફે શ્રીકી ૨૦૧૬ થી ડાર્ક માર્કેટમાં સક્રિય હતો, પરંતુ તેની અસલી કરતૂતો કોવિડ દરમિયાન પ્રકાશમાં આવી હતી. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્સ હેક કરવામાં, બિટકોઇનની ચોરી કરવામાં અને ખંડણી ઉઘરાવવામાં માહેર છે. અગાઉ સીઆઈડીની તપાસ દરમિયાન ઘણા પ્રભાવશાળી લોકોના નામ સામે આવ્યા હતા, પરંતુ રાજકીય દબાણને કારણે તપાસ મંદ પડી હોવાના આક્ષેપો થયા હતા. હવે ED એ સમાંતર તપાસ હાથ ધરીને આ આખી રિંગનો પર્દાફાશ કર્યો છે.
આગામી દિવસોમાં મોટા ખુલાસાની શક્યતા
ED અત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ડિજિટલ એસેટ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના સ્તરો તપાસતા અધિકારીઓને આશા છે કે આ કૌભાંડમાં સામેલ કેટલાક 'મોટા માથાઓ' ના ચહેરા પરથી નકાબ ઉતરી શકે છે. બેંગલુરુના આ ક્રિપ્ટો કાંડે હવે કર્ણાટકના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
