News of Friday, 26th June 2026
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3,000 કિલો હેરોઈન કેસમાં EDની મોટી કાર્યવાહી : મુખ્ય આરોપી અને દિલ્હીનો ક્લબ માલિક હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવારની ધરપકડ
સપ્ટેમ્બર 2021માં અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરના નામે આવેલા 21,000 કરોડના ડ્રગ્સ કેસમાં મની લોન્ડરિંગ તપાસ તેજ : EDએ દિલ્હીના પોશ વિસ્તારમાંથી હરપ્રીત સિંહ તલવારને ઝડપી પાડ્યો : હવાલા અને શેલ કંપનીઓ મારફત રકમ વિદેશ મોકલ્યાનો આરોપ : NIA અને DRI બાદ હવે ED પણ તપાસમાં જોડાઈ

નવી દિલ્હી, તા. 26 : મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર 2021માં ઝડપાયેલા 3,000 કિલો હેરોઈન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસના મુખ્ય આરોપી અને દિલ્હીના જાણીતા ક્લબ માલિક હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવારની EDએ ધરપકડ કરી છે.
સપ્ટેમ્બર 2021માં DRIએ મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથી 2,988 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21,000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ટેલ્કમ પાવડરના નામે આ કન્સાઈનમેન્ટ ભારત લાવવામાં આવ્યું હતું. આ કેસમાં NIA અને DRI પહેલેથી જ તપાસ કરી રહ્યા છે.
ED હવે આ કેસમાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે હરપ્રીત સિંહ તલવારે શેલ કંપનીઓ અને હવાલા નેટવર્ક મારફત ડ્રગ્સની રકમ દુબઈ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મોકલી હતી. EDએ દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલા તેના નિવાસસ્થાને દરોડા પાડીને તેની ધરપકડ કરી છે.
હરપ્રીત સિંહ તલવાર દિલ્હીના કેટલાક મોટા નાઈટ ક્લબ અને રેસ્ટોરન્ટનો માલિક છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે તે ડ્રગ્સ સિન્ડિકેટનો મુખ્ય ફાઈનાન્સર હતો અને ભારતમાં ડ્રગ્સ નેટવર્ક ચલાવતો હતો. EDએ તેની કરોડોની સંપત્તિ પણ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. EDએ કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું છે કે હરપ્રીત તલવારના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે સીધા સંબંધો છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
