News of Saturday, 9th May 2026
પંજાબમાં ED નો સપાટો: મંત્રી સંજીવ અરોરાની ધરપકડથી રાજકારણ ગરમાયું; કેજરીવાલે કેન્દ્ર પર વરસતા કહ્યું- ‘ભાજપના અત્યાચાર સામે પંજાબ ઝૂકશે નહીં!’
મોદી સરકાર વિપક્ષી નેતાઓને ડરાવીને પક્ષ પલટો કરાવવાની રાજનીતિ કરી રહી છે - દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીનો ગંભીર આક્ષેપ; AAP અને ભાજપ વચ્ચે જંગ તેજ

નવી દિલ્હી : પંજાબમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટી (AAP) અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. પંજાબના મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને શનિવારે વહેલી સવારે EDએ દરોડા પાડ્યા બાદ તેમની ધરપકડ કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહીના વિરોધમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પંજાબ સાથે અન્યાય અને અત્યાચાર
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પંજાબ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી શાસનમાં તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને ડરાવવાની રાજનીતિ ચાલી રહી છે. કેજરીવાલે મક્કમતાથી કહ્યું કે, પંજાબની ધરતી અને પંજાબીઓ ભાજપના આ અત્યાચારો સામે ક્યારેય ઝૂકશે નહીં.
‘ડરાવો, ખરીદો અને તોડો’ની નીતિ
કેજરીવાલે ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભાજપ અત્યારે માત્ર ‘ડરાવો, ખરીદો, તોડો અને પછી પાર્ટીમાં સામેલ કરો’ના સિદ્ધાંત પર જ કામ કરી રહી છે." તેમણે ઉમેર્યું કે જે નેતાઓ ભાજપમાં જોડાવાની ના પાડે છે તેમને જેલ ભેગા કરવામાં આવે છે. મંત્રી સંજીવ અરોરાની ધરપકડને તેમણે રાજકીય કિન્નાખોરી ગણાવી છે.
આગામી દિવસોમાં ઘર્ષણ વધવાની શક્યતા
પંજાબમાં EDની આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે રાજકીય માહોલ પહેલેથી જ ગરમાયેલો છે. AAPના કાર્યકર્તાઓ આ ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ, તપાસ એજન્સીઓનું કહેવું છે કે પુરાવાઓના આધારે જ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં દિલ્હી અને પંજાબના રાજકારણમાં કેન્દ્ર અને AAP વચ્ચેના સંબંધો વધુ વણસે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
