તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ભાજપના રાજ્યસભા સાંસદ સતનામસિંહ સંધુને ઈડીનું સમન્સ : કરોડોના ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડની તપાસનો રેલો
ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલરને ૨૫ નવેમ્બરે જલંધર કચેરીએ હાજર થવા આદેશ : નાણાંની લેવડદેવડ અંગે પૂછપરછ થશે : ૩,૭૦૦ કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી એકત્ર કર્યાનો આરોપ : કંપનીઓમાંથી સંધુ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં નાણાં પહોંચ્યાની તપાસ

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ભાજપના રાજ્યસભા સાંસદ અને ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર સતનામસિંહ સંધુને કરોડો રૂપિયાના કથિત ‘ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ’ સાથે સંકળાયેલી નાણાકીય લેવડદેવડની તપાસ માટે સમન્સ પાઠવ્યું છે. તેમને આગામી ૨૫ નવેમ્બરે ઈડીની જલંધર કચેરીમાં પૂછપરછ માટે હાજર થવા જણાવાયું છે.
આ તપાસ પંજાબસ્થિત વ્યુનાઉ ગ્રુપની કંપનીઓ સામે ચાલી રહી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ કંપનીએ રોકાણકારોને ક્લાઉડ સ્ટોરેજ સાથે સંકળાયેલા રોકાણની યોજના રજૂ કરી હતી. આ યોજના હેઠળ આશરે ૩,૭૦૦ કરોડ રૂપિયા એકત્ર કરાયા હોવાનો આરોપ છે.
ઈડીના જણાવ્યા પ્રમાણે રોકાણકારોને ભાડાની આવકના નામે આશરે ૧,૮૦૦ કરોડ રૂપિયા પરત કરાયા હતા. બાકીની રકમનો વ્યવસાય સિવાયના હેતુઓ માટે ઉપયોગ થયો હોવાની તપાસ ચાલી રહી છે.
તપાસમાં સંધુ સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓને વ્યુનાઉ ગ્રુપની કંપનીઓ પાસેથી નાણાં મળ્યાની વિગતો સામે આવી છે. આ વ્યવહારોનું સ્વરૂપ અને હેતુ જાણવા સંધુને બોલાવવામાં આવ્યા છે.
અગાઉ ૧૨ નવેમ્બરે હાજર થવા સમન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા નહોતા. આ કેસમાં કંપનીના સ્થાપક સુખવિંદરસિંહ ખરૌર અને તેમની પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
ઈડીએ સ્પષ્ટ કર્યું છે કે સંધુને સીધી મની લોન્ડરિંગ સંડોવણીના આરોપસર નહીં, પરંતુ નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા બોલાવવામાં આવ્યા છે. સંધુનો તાત્કાલિક પ્રતિભાવ મળ્યો નહોતો.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
