<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

એફિલ ટાવર બંધ થવાના વિવાદ પર BAPS ની મોટી સ્પષ્ટતા: 'મહિલા કર્મચારીઓને હટાવવાની કોઈ માંગ કરી નહોતી'

ફ્રાન્સમાં સંતોની મુલાકાત બાદ જાગેલા 'જેન્ડર ડિસ્ક્રિમિનેશન' ના વિવાદ પર સંસ્થાનો ખુલાસો: લોજિસ્ટિક્સ અને વ્યવસ્થાપન માટે કરાયું હતું આગોતરું આયોજન

પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત વિશ્વપ્રસિદ્ધ 'એફિલ ટાવર' ને સોમવારે અચાનક બંધ કરી દેવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો હતો. સ્થાનિક કર્મચારીઓએ એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મુલાકાત પહેલા મેનેજમેન્ટ દ્વારા મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવવાની સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દાને લિંગ આધારિત ભેદભાવ ગણાવીને કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. ફ્રાન્સના રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાની આકરી ટીકા થયા બાદ હવે BAPS સંસ્થા દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર અને સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે.

 

BAPS ના પ્રતિનિધિએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, એફિલ ટાવરની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ હતી, નહીં કે લિંગના આધારે. સંસ્થાના આશરે ૧૦૦ સભ્યોના મોટા ડેલિગેશનની મુલાકાત સરળતાથી પૂર્ણ થાય અને સામાન્ય મુલાકાતીઓ કે કર્મચારીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે અગાઉથી સંકલન કરીને સવારના પ્રારંભિક કલાકોનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. કોઈપણ કર્મચારી કે મુલાકાતીને પ્રવેશથી વંચિત રાખવાનો કે તેમની સાથે ભેદભાવ કરવાનો સંસ્થાનો કોઈ ઈરાદો નહોતો.

 

સમાનતા અને પરસ્પર સન્માનના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા

 

સંસ્થાએ સ્પષ્ટ કર્યું હતું કે મહિલા કર્મચારીઓને હટાવવા અંગેની ધારણાઓ BAPS ના મૂલ્યોને પ્રતિબિંબિત કરતી નથી. BAPS લિંગ, જાતિ કે માન્યતાઓના ભેદભાવ વિના સૌ પ્રત્યે સમાન આદર અને સેવાભાવના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. જોકે, આ ઘટનાના કારણે એફિલ ટાવરના કર્મચારીઓને થયેલી અસુવિધા કે અસ્વસ્થતા બદલ સંસ્થાએ હૃદયપૂર્વક ખેદ વ્યક્ત કર્યો છે. BAPS એ ઉમેર્યું હતું કે તેઓ મેનેજમેન્ટ અને કર્મચારીઓ સાથે સતત સન્માનપૂર્ણ સંવાદ જાળવી રાખવા અને ભવિષ્યમાં આવી અસમંજસ ન સર્જાય તે માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.

(8:11 PM IST)