<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

આઠ હાઇકોર્ટને મળ્યા નવા સુકાની: રાષ્ટ્રપતિની મહોર બાદ મુખ્ય ન્યાયાધીશોની એકસાથે મોટી નિમણૂક

રાજસ્થાનથી કલકત્તા-બોમ્બે સુધી ન્યાયતંત્રમાં મોટો ફેરફાર: સર્વોચ્ચ અદાલતના કોલેજિયમની ભલામણો કેન્દ્ર સરકારે સ્વીકારી

નવી દિલ્હી, તા. ૬ : સર્વોચ્ચ અદાલતના કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કરાયાના થોડા દિવસમાં દેશની આઠ હાઇકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશો મળ્યા છે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે શનિવારે રાત્રે આ નિમણૂકોની માહિતી આપી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ આ નિમણૂકો કરી છે.

 

દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વી. કામેશ્વર રાવને પટણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે. બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રવીન્દ્ર વી. ઘુગે હવે કલકત્તા હાઇકોર્ટનું સુકાન સંભાળશે. છત્તીસગઢ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજયકુમાર અગ્રવાલની રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મહેશચંદ્ર ત્રિપાઠીને બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અશ્વનીકુમાર મિશ્રને આ જ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે. ઓડિશા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણરામ મહાપાત્રને છત્તીસગઢ હાઇકોર્ટ, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અલ્પેશ યશવંત કોગજેને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પુષ્પેન્દ્રસિંહ ભાટીને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે.

 

રાજસ્થાનમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માના હોદ્દા અંગે સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ન્યાયમૂર્તિ અગ્રવાલની કાયમી નિમણૂક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવાયા બાદ તેઓ કાર્યભાર સંભાળશે.

(10:43 AM IST)