News of Saturday, 25th April 2026
ભીષણ ગરમીનો કહેર લાવશે 'અલ નિનો': મે મહિનાથી જ વર્તાવા લાગશે વિનાશક અસરો, ડબ્લ્યુએમઓ નું એલર્ટ: આ વખતના 'સુપર અલ નિનો'થી હવામાનમાં મોટી ઉથલપાથલ ઝડપભેર આવી રહ્યાનું મનાય છે:હિમાલયમાં ૨૭.૮ ટકા ઓછો બરફ નોંધાયો: ભારતમાં ચોમાસું નબળું રહેવાની અને જળ સંકટ ઘેરાવાની પૂરેપૂરી શક્યતા
અગાઉ હવામાન નિષ્ણાતોનો એવો અંદાજ હતો કે આ સ્થિતિ ચોમાસાની ઋતુના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિકસશે, પરંતુ હવે તે ધાર્યા કરતા વહેલી આવવાની આશંકા છે: આ વહેલા આગમનની ભારત સહિત દક્ષિણ એશિયાના હવામાન પર અત્યંત ગંભીર અને વિનાશક અસરો પડવાની સંભાવના

નવી દિલ્હી: વિશ્વ હવામાન સંગઠન (ડબ્લ્યુએમઓ) દ્વારા ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષે 'અલ નિનો' ની સ્થિતિ મે થી જુલાઈ મહિના વચ્ચે જ સક્રિય થઈ જશે. આ આબોહવાકીય ફેરફારના કારણે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં ભીષણ ગરમીનું મોજું ફરી વળશે અને વરસાદમાં ઘટાડો જોવા મળશે. હિમાલયમાં છેલ્લા ૨૦ વર્ષનો સૌથી ઓછો બરફ નોંધાતા આશરે ૨ અબજ લોકો માટે ભવિષ્યમાં જળ સંકટ ઊભું થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
વિશ્વ હવામાન સંગઠન (ડબ્લ્યુએમઓ) દ્વારા એક નવી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે, જે મુજબ મે અને જુલાઈ મહિનાની વચ્ચે જ 'અલ નિનો' ની સ્થિતિ વિકસી શકે છે. અગાઉ હવામાન નિષ્ણાતોનો એવો અંદાજ હતો કે આ સ્થિતિ ચોમાસાની ઋતુના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિકસશે, પરંતુ હવે તે ધાર્યા કરતા વહેલી આવવાની આશંકા છે. આ વહેલા આગમનની ભારત સહિત દક્ષિણ એશિયાના હવામાન પર અત્યંત ગંભીર અને વિનાશક અસરો પડવાની સંભાવના છે.
ડબ્લ્યુએમઓ અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન અત્યંત ઝડપથી વધી રહ્યું છે, જે આગામી મહિનાઓમાં જ અલ નિનો સ્થિતિના વિકાસનો સ્પષ્ટ સંકેત આપે છે. અલ નિનો એક એવી આબોહવાની સ્થિતિ છે જે દર ૨ થી ૭ વર્ષે ઉદ્ભવે છે અને લગભગ ૯ થી ૧૨ મહિના સુધી તેની અસર રહે છે. આ પરિસ્થિતિ વિશ્વના વિવિધ ભાગોમાં તાપમાન અને વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર લાવે છે અને સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં ધરખમ વધારો કરે છે. ભારતીય હવામાન વિભાગે પણ આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી કરી છે.
ડબ્લ્યુએમઓના આબોહવા આગાહી વિભાગના વડા વિલ્ફ્રન માફુમા ઓકિયાએ જણાવ્યું હતું કે વર્ષની શરૂઆત ભલે તટસ્થ પરિસ્થિતિઓ સાથે થઈ હોય, પરંતુ હવે તમામ હવામાન મોડેલો અલ નીનોની આગાહી કરી રહ્યા છે, જે આગામી મહિનાઓમાં વધુ મજબૂત બનશે.
મે, જૂન અને જુલાઈ દરમિયાન જમીનનું તાપમાન પણ સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની સંભાવના છે, જેનો સીધો અર્થ એ છે કે લગભગ દરેક જગ્યાએ આકરી ગરમીનો અનુભવ થશે. સંગઠનનું માનવું છે કે આવી આગાહીઓ કૃષિ, પાણી વ્યવસ્થાપન, ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી સમયસર બચાવની તૈયારીઓ કરી શકાય.
આ ઉપરાંત વધુ એક ચિંતાજનક બાબત એ છે કે આ વર્ષે હિન્દુકુશ હિમાલય ક્ષેત્રમાં બરફનું પ્રમાણ સામાન્ય કરતા ૨૭.૮ ટકા જેટલું ઓછું નોંધાયું છે, જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. બરફની આ અછત નદીઓના પાણીના પ્રવાહને સીધી અસર કરી શકે છે અને તેના કારણે આશરે ૨ અબજ લોકોની જળ સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
સામાન્ય રીતે જ્યારે અલ નીનો સક્રિય થાય છે ત્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં દુષ્કાળ પડે છે અથવા નહિવત વરસાદ થાય છે, જ્યારે દક્ષિણ અમેરિકા, અમેરિકાના દક્ષિણ વિસ્તારો, આફ્રિકાના ભાગો અને મધ્ય એશિયામાં ભારે વરસાદ પડે છે.
આ વખતના 'સુપર અલ નિનો' થી હવામાનમાં મોટો ઉથલપાથલ નિકટવર્તી મનાઈ રહ્યો છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
