<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ચૂંટણી પંચના ECINet એપ પર વિવાદ: "આ નકામા સોફ્ટવેરને તુરંત દૂર કરો," કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઉઠાવ્યા ગંભીર સવાલો

મતદાતાઓના બંધારણીય અધિકારો પર તરાપ મારતા સોફ્ટવેરને રદ કરવા, જાહેર માફી માંગવા અને થયેલા નુકસાનનું વળતર આપવા થરૂરની આક્રમક માંગ

નવી દિલ્હી, તા.૨૪:bnદેશના રાજકારણમાં અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા અન્ય ચૂંટણી કમિશનરોને અંધારામાં રાખીને મતદારોના નામ ઉમેરવા અને કાઢી નાખવાના વિવાદના બીજા જ દિવસે હવે ચૂંટણી પંચનું ડિજિટલ પ્લેટફોર્મ ECINet વિવાદોના વંટોળમાં ઘેરાયું છે.

કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે ચૂંટણી પંચની આ એપ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા તેને એક "વિનાશક અને નકામું સોફ્ટવેર" ગણાવ્યું છે. થરૂરે ચૂંટણી પંચને તુરંત જ આ સોફ્ટવેર રદ કરવાની સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે.

નાગરિકોના બંધારણીય અધિકારો પર ત્રાપ

શશિ થરૂરે આરોપ લગાવ્યો છે કે આ ડિજિટલ એપ્લિકેશન દેશના નાગરિકોને તેમના સૌથી પવિત્ર અને બંધારણીય અધિકાર એટલે કે ‘મતાધિકાર’થી વંચિત રાખી રહી છે. સોફ્ટવેરની ટેકનિકલ ક્ષતિઓ અને ખામીયુક્ત કામગીરીને કારણે સામાન્ય જનતા હેરાન-પરેશાન થઈ રહી છે. તેમણે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કડક શબ્દોમાં કહ્યું કે ચૂંટણી પંચે પોતાની આ ભૂલ સ્વીકારીને દેશવાસીઓની માફી માંગવી જોઈએ અને સોફ્ટવેરની ખામીના કારણે જે મતદારોને નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર પણ આપવું જોઈએ.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ડિજિટલ ધાંધલ-ધમાલ

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓની સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કરોડો દેશવાસીઓએ ECINet સોફ્ટવેર મારફતે પોતાના જરૂરી ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. ચૂંટણી અધિકારીઓ પણ આ જ સોફ્ટવેર આધારિત ડેટાના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરી રહ્યા હતા. પરંતુ આ સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ક્ષતિઓને કારણે હજારો લાયક મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઈ ગયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે, જેના કારણે હવે આ મુદ્દો આક્રોશનું કેન્દ્ર બન્યો છે.

(5:34 PM IST)