News of Tuesday, 30th June 2026
દિલ્હી-મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ૫ રાજ્યોમાં આજથી ચૂંટણી પંચનું મોટું ઓપરેશન 'SIR' શરૂ, BLO ઘરે આવશે
મતદાર યાદી સુધારણા માટે ૩૦ જુલાઈ સુધી ચાલશે ઘરે-ઘરે વેરિફિકેશન; નવું ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ભારે પડી શકે? જાણો ઓનલાઈન-ઓફલાઈનના તમામ નિયમો

નવી દિલ્હી : દેશના પાંચ મુખ્ય રાજ્યોના મતદારો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજથી એટલે કે મંગળવાર, ૩૦ જૂનથી દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, મેઘાલય અને ઝારખંડમાં એક ખાસ મતદાર ચકાસણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને "સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન" (SIR) નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સીધા તમારા ઘર સુધી પહોંચશે, જેથી આગામી ચૂંટણીઓ પહેલાં એકદમ સચોટ અને પારદર્શક મતદાર યાદી તૈયાર કરી શકાય.
ઘર-ઘર સર્વેક્ષણ: ૨૯ જુલાઈ સુધી ચાલશે આ કવાયત
ચૂંટણી પંચના આ આદેશ બાદ આજથી જ તમામ પાંચ રાજ્યોમાં કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે આગામી એક મહિના સુધી એટલે કે ૨૯ જુલાઈ સુધી સળંગ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન BLO દરેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે, પરિવારના સભ્યોની વિગતો ચકાસશે, નવું ગણતરી ફોર્મ આપશે અને તેને ભરાવીને પરત એકત્રિત કરશે. આ કવાયતનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ લાયક નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહી જાય અને જે લોકો સ્થળાંતર કરી ગયા છે કે મૃત્યુ પામ્યા છે તેમના નામ યાદીમાંથી હટાવી શકાય.
ક્યારે આવશે નવી યાદી? આ તારીખો નોંધી રાખજો
· ૩૦ જૂનથી ૨૯ જુલાઈ: BLO દ્વારા ઘરે-ઘરે જઈને ફોર્મ વહેંચવા અને એકત્રિત કરવા.
· ૫ ઓગસ્ટ: ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ‘ડ્રાફ્ટ મતદાર યાદી’ (પ્રાથમિક યાદી) પ્રસિદ્ધ કરાશે.
· ઓગસ્ટ-સપ્ટેમ્બર: ડ્રાફ્ટ યાદી સામે દાવા, વાંધા કે સુધારા રજૂ કરવા માટે નાગરિકોને સમય અપાશે.
· ૭ ઓક્ટોબર: તમામ સુધારા બાદ આખરી અને ‘અંતિમ મતદાર યાદી’ જાહેર કરવામાં આવશે.
ફોર્મ ભરતી વખતે આ નિયમો ખાસ ધ્યાનમાં રાખો
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દરમિયાન સામાન્ય જનતાને હેરાનગતિ ન થાય તે માટેના ખાસ નિયમો બનાવાયા છે. સૌથી મોટી રાહત એ છે કે આ ગણતરી ફોર્મ સબમિટ કરતી વખતે તમારે કોઈ પણ પ્રકારના વધારાના સત્તાવાર દસ્તાવેજો કે પુરાવા જોડવાના નથી.
જો કોઈ નાગરિકનું ઘર બંધ હશે, તો BLO ત્યાં ફોર્મ છોડીને જશે અને ત્યારબાદ ભરેલું ફોર્મ લેવા માટે ઓછામાં ઓછા ત્રણ વખત ચક્કર લગાવશે. આ ઉપરાંત, જો કોઈ મહિલા નવી પરિણીત હોય અને અગાઉની યાદીમાં તેનું નામ સામેલ ન હોય, તો તે પોતાના પિયર પક્ષ (માતા-પિતા કે દાદા-દાદી) ના સંદર્ભની વિગતો આપી શકશે, સાસરી પક્ષની નહીં.
આ ડિજિટલ યુગમાં નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ ઓનલાઈન પોર્ટલ અને વોટર હેલ્પલાઈન એપ (Voter Helpline App) ના માધ્યમથી પણ આ સુધારા અને વિગતો ઓનલાઈન ચેક કરવાની સુવિધા આપી રહ્યું છે, જેથી ઘરે બેઠા પણ તમે તમારું નામ મતદાર યાદીમાં સુરક્ષિત રાખી શકો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
