<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

હિમાચલ પ્રદેશની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ત્રણ કોર્પોરેશન પર ભગવો લહેરાવ્યો: સતા ધારી કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો

કુલ 63 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો પર વિજય મેળવ્યો જ્યારે કોંગ્રેસ 23 બેઠકો સાથે બીજા ક્રમે: ભાજપે મંડી, ધર્મશાલા અને સોલન કોર્પોરેશનમાં ભવ્ય જીત નોંધાવી : પાલમપુરમાં કોંગ્રેસે 15 માંથી 11 વોર્ડ જીતીને આબરૂ બચાવી

હિમાચલ પ્રદેશની ચાર મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા ચારમાંથી ત્રણ કોર્પોરેશન પર ભગવો લહેરાવ્યો છે.કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે  તેણે પોતાની પાસે રહેલા ગઢ ગુમાવ્યા છે.

કુલ 63 બેઠકો માટે યોજાયેલા જંગમાં ભાજપે 37 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી સાબિત કરી છે, જ્યારે કોંગ્રેસ 23 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે. આ ચૂંટણી પરિણામો એટલા માટે પણ સૂચક છે કારણ કે 2027 ની વિધાનસભા ચૂંટણીઓ પહેલા આને રાજ્યનો 'સેમી-ફાઈનલ' તરીકે જોવામાં આવી રહ્યો હતો. ભાજપે મંડી, ધર્મશાલા અને સોલાન કોર્પોરેશનમાં ભવ્ય જીત નોંધાવી છે.

મંડી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 12 બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ અકબંધ રાખ્યું છે. ધર્મશાલા અને સોલનમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેતા કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉભા થયા છે. જોકે, પાલમપુર કોર્પોરેશનમાં કોંગ્રેસે 15 માંથી 11 વોર્ડ જીતીને પોતાની આબરૂ બચાવી લીધી છે. મતદાનની ટકાવારી જોઈએ તો પાલમપુરમાં સૌથી વધુ 68.97 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે આ વિજયને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકાર સામેનો જનાદેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતાએ કોંગ્રેસની 'જનવિરોધી નીતિઓ' ને સંપૂર્ણપણે નકારી કાઢી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા નરેશ ચૌહાણે દાવો કર્યો કે માત્ર 15 ટકા મતદાનના આધારે સમગ્ર રાજ્યનો મૂડ નક્કી કરી શકાય નહીં. તેમણે આગામી સમયમાં પાર્ટીમાં આંતરિક સમીક્ષા કરવાની તૈયારી દર્શાવી છે.

(10:58 PM IST)