<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ઓછો વપરાશ છતાં વીજળી બિલ વધીને આવે છે? જાણો એક નાની ભૂલ અને લોડ સિસ્ટમનું આખું ગણિત

મંજૂર લોડ કરતા વધુ ઉપકરણો એકસાથે ચલાવવાથી સ્માર્ટ મીટર પકડી લેશે ઓવરલોડ; દંડ અને ફિક્સ્ડ ચાર્જ વધી જતાં ખિસ્સા ખાલી થવાનું જોખમ

અમદાવાદ : ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે ઘરમાં જરૂરી હોય તેટલી જ વીજળીનો વપરાશ કરવા છતાં દર મહિને તેમનું વીજળીનું બિલ બજેટ બહાર જતું રહે છે. આ સમસ્યા પાછળ યુનિટ વપરાશ સિવાય કનેક્શન પરનો 'સેન્ક્શન્ડ લોડ' (મંજૂર થયેલ ભાર) અને ઘરના ઉપકરણોનો એકસાથે વપરાશ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વીજળીના લોડનું ગણિત ન સમજવાને કારણે સામાન્ય ગ્રાહકો અજાણતા જ પેનલ્ટી અને વધુ ફિક્સ્ડ ચાર્જ ચૂકવી રહ્યા છે, જેનાથી બિલમાં મોટો વધારો નોંધાય છે.

જ્યારે નવું વીજ કનેક્શન લેવામાં આવે છે ત્યારે મંજૂર લોડ ઓછો હોય છે, પરંતુ સમય જતાં ઘરમાં એસી, ગીઝર, વોશિંગ મશીન કે માઇક્રોવેવ જેવા ભારે ઉપકરણોનો ઉમેરો થાય છે. ગ્રાહકો પોતાના કનેક્શનનો મંજૂર લોડ વધારતા નથી, પરંતુ આ તમામ ઉપકરણો એકસાથે ચલાવે છે. જ્યારે મંજૂર ક્ષમતા કરતાં વધુ વીજળીનો ભાર એક સાથે વાપરવામાં આવે છે, ત્યારે વીજ વિભાગ દ્વારા સિસ્ટમ મુજબ લોડ અને વપરાશના તફાવત પર વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

હાલ મોટાભાગના વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, જે મહત્તમ લોડ (મહત્તમ ડિમાન્ડ) ને તુરંત રેકોર્ડ કરી લે છે. જ્યારે મંજૂર લોડ કરતાં વધુ ઉપકરણો એકસાથે ચાલે છે, ત્યારે સ્માર્ટ મીટર આ ઓવરલોડ પકડી લે છે. આ કારણે વીજ કંપનીઓ બિલમાં ઓવરલોડ પેનલ્ટી, ડિમાન્ડ ચાર્જ અને સુરક્ષા ડિપોઝિટ ચાર્જ ઉમેરે છે, જે સીધા જ વીજ બિલની રકમને બમણી કરી દે છે.

આ ઉપરાંત, જ્યારે વીજળીનો લોડ નક્કી કરેલી મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે કેટલાક સ્લેબ મુજબ પ્રતિ યુનિટ ચાર્જ પણ વધી જતો હોય છે. બીજી તરફ, જો કોઈ ગ્રાહકનો લોડ ખૂબ વધારે મંજૂર થયેલો હોય પરંતુ વપરાશ ઓછો હોય, તો પણ તેમણે દર મહિને ઊંચો ફિક્સ્ડ ચાર્જ ચૂકવવો જ પડે છે. આમ, લોડ અને વાસ્તવિક વપરાશ વચ્ચેનું અસંતુલન જ ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખે છે.

નિષ્ણાતોના મતે, વીજ બિલ નિયંત્રણમાં રાખવા માટે ઘરમાં એસી, ગીઝર અને વોશિંગ મશીન જેવા ભારે પાવર લેતા ઉપકરણોને એકસાથે ચાલુ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ગ્રાહકોએ પોતાના વીજળી બિલમાં મંજૂર થયેલા લોડ અને વાસ્તવિક જરૂરી લોડની નિયમિત ચકાસણી કરવી જોઈએ જેથી પેનલ્ટીમાંથી બચી શકાય.

વીજ કંપનીઓ દ્વારા પણ ગ્રાહકોને પોતાના ઘરના વાસ્તવિક લોડ મુજબ મંજૂર લોડ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરીને અપડેટ કરાવી લેવાની સલાહ આપવામાં આવી રહી છે. જો ગ્રાહકો પોતાના ઉપકરણોના વપરાશમાં થોડી સાવચેતી રાખે અને લોડ સિસ્ટમને યોગ્ય રીતે સમજીને ચાલે, તો દર મહિને આવતા આકરા વીજ બિલમાંથી મોટી રાહત મેળવી શકાય તેમ છે.

(6:13 PM IST)