તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Monday, 12th October 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વામાં ઈમર્જન્સી અને ગવર્નર રાજ જાહેર: આર્ટિકલ ૨૪૫ હેઠળ લશ્કર તૈનાત, વ્યાપક હિંસા અને આગજની
ઇમરાન ખાનના પીટીઆઈ પક્ષની પ્રાંતીય સરકાર બરખાસ્ત થતાં રાજકીય ઘમાસાણ; ચારેકોર વિરોધનું વાતાવરણ

ઇસ્લામાબાદ / પેશાવર : પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા (કેપી) પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ તથા આતંકવાદી જોખમોને ટાંકીને ફેડરલ સરકારે કટોકટી (ઇમર્જન્સી) અને ગવર્નર રાજ લાગુ કરી દીધું છે. વિપક્ષી પક્ષ પીટીઆઈના તાબા હેઠળની સરકારને બરખાસ્ત કરવાના આ નિર્ણય બાદ સ્થાનિક સ્તરે મોટો રોષ ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બંધારણના આર્ટિકલ ૨૪૫ હેઠળ લશ્કરને મેદાનમાં ઉતારવામાં આવ્યું છે, જ્યારે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને એક્સ ટ્વીટર પર આગજની અને હિંસાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય અને સુરક્ષા સંકટ વચ્ચે ફેડરલ સરકારે મોટો નિર્ણય લેતા ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં બંધારણના આર્ટિકલ ૨૩૨ અને ૨૩૪ હેઠળ કટોકટી (ઇમર્જન્સી) અને ગવર્નર રાજ જાહેર કરી દીધું છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ પ્રાંતની ચૂંટાયેલી વિપક્ષી સરકારને બરખાસ્ત કરીને સત્તા ગવર્નર અને સંઘીય સંસદ હસ્તક મૂકવામાં આવી છે.
પાકિસ્તાનની સરકાર દ્વારા કહેવાયું છે કે પ્રાંતીય સરકાર આતંકવાદ સામેના મુકાબલામાં નિષ્ક્રિય રહી છે અને સુરક્ષા પડકારો સતત વધી રહ્યા છે. બીજી બાજુ, ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (PTI) અને અન્ય વિપક્ષી નેતાઓએ આ પગલાંને લોકશાહી પર તરાપ અને જનતાના જનાદેશ પર તરાપ સ્વરૂપે ગણાવેલ છે.
આ નિર્ણયના વિરોધમાં પ્રાંતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. વિવિધ વિસ્તારોમાં ઉગ્ર દેખાવો, તોડફોડ, આગજની અને હિંસાના અનેક બનાવો બન્યા છે. પરિસ્થિતિ વણસતી અટકાવવા આર્ટિકલ ૨૪૫ હેઠળ પાકિસ્તાની સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ રાજકીય ઉથલપાથલને કારણે પાકિસ્તાનના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં સંઘ તથા પ્રાંત વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બને તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
