News of Wednesday, 13th May 2026
ઉત્તરાખંડમાં 'ઇમરજન્સી' જેવો માહોલ: એસી પર બ્રેક અને ઓફિસોમાં તાળા : ધામી સરકારનો સપાટો!
વૈશ્વિક તેલ સંકટ અને આર્થિક દબાણ સામે લડવા પહાડી રાજ્યનો ક્રાંતિકારી પ્લાન: મંત્રીઓના કાફલા અડધા થશે : અઠવાડિયે એક દિવસ 'નો વ્હીકલ ડે' અને રસોડામાં તેલનો વપરાશ ઘટાડવા સુધીની કડક સૂચનાઓ

દેહરાદૂન : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં એક પ્રકારની 'ઉર્જા કટોકટી' જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોએ સૌને ચોંકાવી દીધા છે. હવે સરકારી ઓફિસોમાં એસી (AC) ના વપરાશ પર મર્યાદા લાદવામાં આવી છે અને કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ' તેમજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામ કરવા પ્રોત્સાહિત કરાશે. આટલું જ નહીં, પર્યાવરણ અને બળતણ બચાવવા માટે અઠવાડિયામાં એક દિવસ 'નો વ્હીકલ ડે' પાળવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ પોતાના વાહનોના કાફલા અડધા કરીને જનતાને સાદગીનો સંદેશ આપશે.
સરકારનો આ માસ્ટરપ્લાન માત્ર રસ્તાઓ સુધી મર્યાદિત નથી, પણ રસોડા અને ખેતરો સુધી પણ પહોંચ્યો છે. વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે નાગરિકોને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને સંતુલિત આહાર લેવા અપીલ કરવામાં આવી છે. શાળાઓ અને હોસ્પિટલોની કેન્ટીનમાં તેલના ઉપયોગની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ, ખેતીમાં રાસાયણિક ખાતરોનો ખર્ચ બચાવવા માટે 'કુદરતી ખેતી' અને 'ઝીરો બજેટ ફાર્મિંગ' પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં સોનાની ખરીદી પણ એક વર્ષ માટે મર્યાદિત રાખવા જેવી અનોખી જાગૃતિ ઝુંબેશ ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી દેશનું હુંડિયામણ બચાવી શકાય.
ઉર્જાના ક્ષેત્રમાં સ્વાવલંબી બનવા માટે ઉત્તરાખંડ હવે 'ગ્રીન એનર્જી' તરફ ઝડપથી ડગ માંડી રહ્યું છે. નવી ઈવી (EV) નીતિ હેઠળ ૫૦ ટકા સરકારી વાહનો ઈલેક્ટ્રિક હોવા ફરજિયાત કરાયા છે. આ ઉપરાંત, પીએમ સૂર્ય ઘર યોજના અને પીએનજી (PNG) કનેક્શનને મિશન મોડ પર લાગુ કરવામાં આવશે જેથી ગેસ સિલિન્ડર પરની નિર્ભરતા ઘટે. રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 'વિઝિટ માય સ્ટેટ' અભિયાન અને ડેસ્ટિનેશન વેડિંગ માટે સિંગલ-વિન્ડો ક્લિયરન્સ જેવી સુવિધાઓ શરૂ કરાશે. ધામી સરકારનો આ બહુપક્ષીય નિર્ણય સાબિત કરે છે કે વૈશ્વિક સંકટ સામે લડવા માટે હવે વ્યક્તિગત અને સરકારી સ્તરે મોટા ફેરફારો અનિવાર્ય બન્યા છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
