<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સાઉદી અરેબિયાના મક્કા સહિત અનેક શહેરોમાં ઈમરજન્સી સિક્યોરિટી એલર્ટ: લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના

નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ દ્વારા મક્કા, મદીના અને રિયાધમાં સંભવિત હુમલા કે ખતરા અંગે ચેતવણી જારી: સિવિલ ડિફેન્સે નાગરિકોને બારીઓ અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી

રિયાધ :  સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા ઉપરાંત મદીના, રિયાધ અને પૂર્વીય પ્રાંતના અનેક વિસ્તારોમાં નેશનલ અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ દ્વારા અચાનક ઈમરજન્સી સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાઉદી સિવિલ ડિફેન્સ દ્વારા સંભવિત ખતરા અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને નાગરિકો તેમજ રહેવાસીઓને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

સત્તાવાર વિગતો અનુસાર, સાઉદી નાગરિક સંરક્ષણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરી હતી કે મક્કા અને આસપાસના વિસ્તારોમાં રાષ્ટ્રીય અર્લી વોર્નિંગ પ્લેટફોર્મ મારફતે આ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જોકે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ ચિંતાનજક સંદેશાઓ થોડીવારમાં હટાવી લેવામાં આવ્યા હતા. તાજેતરના સમયમાં યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા સરહદી અને વ્યૂહાત્મક વિસ્તારો પર કરવામાં આવતા લક્ષિત હુમલાઓને પગલે સાઉદી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને આ પ્રકારના પ્રોટોકોલ અમલી બનાવવામાં આવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ લોકોને ગભરાયા વગર શાંતિ જાળવવા અને ઘર કે ઈમારતોની અંદર સુરક્ષિત સ્થાને રહેવા વિનંતી કરી છે. નાગરિકોને કાચની બારીઓ, બાલ્કનીઓ, છત તથા ભીડભાડ વાળા ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અને ઈમરજન્સી સ્થિતિ ટળે નહીં ત્યાં સુધી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, રસ્તા પર વાહન ચલાવતા લોકોને પુલ કે ઊંચી ઈમારતોથી દૂર સુરક્ષિત જગ્યાએ વાહન પાર્ક કરી આશ્રય લેવા જણાવાયું છે. કટોકટીના સમયે મક્કા, મદીના અને રિયાધમાં '911' અને અન્ય પ્રાંતોમાં '998' ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવા અને માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા મળતી માહિતી પર જ વિશ્વાસ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(6:35 PM IST)