<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સમ્રાટના ખભા પર નીતિશ કુમારના હાથ: વાયરલ તસવીરે બિહારના રાજકારણમાં જગાવી નવી હલચલ : 'નીતીશ સેતુ' પહેલા ખાસ સંકેત

રાઘોપુરમાં નિશાંત કુમારને ધક્કો મારવાના વિવાદ બાદ નીતિશ કુમાર અને સીએમ સમ્રાટ ચૌધરીની આત્મીય મુલાકાતની તસવીરે રાજકીય અટકળો તેજ : પીએમ મોદીના હસ્તે 'નીતીશ સેતુ' ના લોકાર્પણ પૂર્વે બંને નેતાઓની નિકટતાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે

પટના :  ગંગા નદી પર કચ્છી દરગાહ અને બિદુપુર વચ્ચે નિર્મિત છ લેનના પુલનું નામકરણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ પર કરાયું છે, જેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ પૂર્વે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની એક તસવીર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. નીતિશ કુમારના નિવાસસ્થાને થયેલી આ મુલાકાત દરમિયાન નીતિશ કુમાર સમ્રાટ ચૌધરીના બંને ખભા પર હાથ રાખીને હસતા મોંઢે વાતચીત કરતા જોવા મળે છે, જ્યારે સમ્રાટ ચૌધરી પણ આદરપૂર્વક તેમનું સ્વાગત કરતા નજરે પડે છે. આ તસવીર શેર કરતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારનું માર્ગદર્શન મળ્યાનું જણાવતા 'નીતીશ સેતુ' ના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે ચર્ચા થઈ હોવાની માહિતી આપી હતી અને બિહારના વિકાસમાં નવો અધ્યાય જોડાવાનો સંકેત આપ્યો હતો.

આશરે ૧૫ મિનિટ ચાલેલી આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરી અને જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા પણ હાજર રહ્યા હતા, જેના કારણે રાજકીય વર્તુળોમાં આ તસવીરના ઊંડા અર્થ તારવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ મુલાકાતના બે દિવસ અગાઉ, ૧૮ નવેમ્બરે રાઘોપુરમાં સીએમ સમ્રાટ ચૌધરીના સુરક્ષા ગાર્ડે નીતિશ કુમારના પુત્ર અને આરોગ્ય મંત્રી નિશાંત કુમારને ધક્કો માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને વિપક્ષ આરજેડીએ નીતિશ કુમારના સન્માન અને રાજકીય કદ પર સવાલો ઉઠાવીને રાજકીય માહોલ ગરમાવ્યો હતો.

આવા સંવેદનશીલ માહોલ વચ્ચે નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરીની આ આત્મીય તસવીર સામે આવતા વિપક્ષના આરોપોને શાંત પાડવા અને ગઠબંધનમાં સંપૂર્ણ એકતાનો સંદેશ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. 'નીતીશ સેતુ' ના લોકાર્પણ અગાઉ બંને નેતાઓની આ હસતી-રમતી મુલાકાત બિહારના રાજકારણમાં નવા સમીકરણો અને સંદેશાઓ રજૂ કરી રહી છે, જેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

(10:25 AM IST)