News of Thursday, 19th November 2026
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એ પીએફ ખાતાધારકોને આપી મોટી રાહત : હવે 90% રકમ ઉપાડી શકાશે : માત્ર 10% બેલેન્સ રાખવું પડશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય : 55 વર્ષ પહેલા પણ 90% ઉપાડની છૂટ, બેરોજગારીમાં 12 મહિનાને બદલે માત્ર 2 મહિના બાદ ઉપાડ : નિવૃત્તિ બાદ હપ્તામાં પૈસા લેવાની SWP યોજના પણ મંજૂર

નવી દિલ્હી તા.૧૯ : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એ પીએફ ખાતાધારકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ CBT ની 240મી બેઠકમાં પીએફ ઉપાડના નિયમોમાં મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
હવે પીએફ ખાતાધારકોને આંશિક ઉપાડ દરમિયાન ખાતામાં માત્ર 10% બેલેન્સ રાખવું પડશે, અગાઉ આ મર્યાદા 25% હતી. એટલે કે પાત્રતા અને ઉપાડના અન્ય નિયમો પૂર્ણ થતા હોય તો કર્મચારી પોતાના પાત્ર પીએફ બેલેન્સના 90% સુધીની રકમ ઉપાડી શકશે.
અગાઉ આ મર્યાદા 75% હતી. ઉદાહરણ તરીકે જો ખાતામાં 10 લાખ રૂપિયા હોય તો અગાઉ 2.5 લાખ રૂપિયા ખાતામાં રાખવા ફરજિયાત હતા અને માત્ર 7.5 લાખ ઉપાડી શકાતા હતા, હવે માત્ર 1 લાખ રૂપિયા રાખીને 9 લાખ રૂપિયા સુધી ઉપાડી શકાશે. આ સાથે 55 વર્ષથી ઓછી ઉંમરે નિવૃત્ત થતા સભ્યો પણ પોતાના EPF ખાતામાં જમા પાત્ર રકમના 90% સુધી ઉપાડી શકશે.
આ ઉપરાંત બેરોજગારીની સ્થિતિમાં પૈસા ઉપાડવા માટેની રાહ જોવાની અવધિ પણ ઘટાડવામાં આવી છે. અગાઉ તેના માટે EPF સભ્યતાના 12 મહિના પૂર્ણ થવા જરૂરી હતા, જે હવે ઘટાડીને માત્ર 2 મહિના કરવામાં આવી છે. EPF સ્કીમ 2026 હેઠળ આંશિક ઉપાડના નિયમોને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
આવશ્યક જરૂરિયાતો, આવાસની જરૂરિયાતો અને વિશેષ સંજોગો. જેમાં તબીબી સારવાર, શિક્ષણ, લગ્ન અને ઘર સંબંધિત જરૂરિયાતો માટે નિયત શરતો હેઠળ પીએફ ઉપાડી શકાશે. જો કે 90% ઉપાડનો અર્થ એ નથી કે કોઈપણ સમયે કોઈપણ કારણસર પૈસા ઉપાડી શકાશે, ઉપાડની સુવિધા નિયત પાત્રતા અને નિયમોને આધીન જ મળશે. આ સાથે જ નિવૃત્તિ બાદ પીએફની સંપૂર્ણ રકમ એક સાથે ઉપાડવાને બદલે હપ્તામાં ઉપાડવાની સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન SWP ને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ સુવિધા હેઠળ નિવૃત્ત સભ્યોને પોતાની બચતમાંથી નિયમિત આવક મળશે અને બાકીની રકમ EPF સિસ્ટમમાં રહેશે જેના પર વ્યાજ મળતું રહેશે. SWP દરમિયાન સભ્યનું અવસાન થાય તો નોમિની કે આશ્રિત બાકીની રકમ એક સાથે ઉપાડી શકશે અથવા નિયમિત હપ્તા ચાલુ રાખી શકશે. આ નવી વ્યવસ્થા આગામી લગભગ બે મહિનામાં અમલમાં આવવાની અપેક્ષા છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
