News of Wednesday, 18th November 2026
નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. ૨૫,૬૬૦ કરોડના એક્સપોર્ટ પ્રમોશન મિશનના નિયમોમાં કર્યા મહત્વપૂર્ણ સુધારા
આંતરરાષ્ટ્રીય બજારોમાં એમએસએમઈની ભાગીદારી વધારવા અને હવાઈ ભાડાની સહાયતા મર્યાદામાં મોટો વધારો કરવાના વાણિજ્ય મંત્રાલયના નિર્ણયથી વેપારીઓમાં ખુશી છવાઈ છે.

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ભારતીય નિકાસકારોની ભાગીદારી વ્યાપક બનાવવા, બજારકીય પહોંચ સુધારવા અને ભૌગોલિક ગેરલાભનો સામનો કરી રહેલા નાના ઉદ્યોગોને મજબૂત ટેકો પૂરો પાડવાના હેતુથી કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા રૂ. ૨૫,૬૬૦ કરોડના નિકાસ પ્રમોશન મિશનની માર્ગદર્શિકામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.
મૂળ વિગતો મુજબ, વાણિજ્ય વિભાગ દ્વારા 'નિર્યાત દિશા' સબ-સ્કીમ હેઠળ માલ અને પરિવહન માટે માર્કેટ એક્સેસ સપોર્ટ, વેપાર નિયમનો, માન્યતા તેમજ લૉજિસ્ટિક હસ્તક્ષેપ સંબંધિત દિશાનિર્દેશોમાં વ્યાપક સુધારા જાહેર કરવામાં આવ્યા છે, જેથી દેશના નિકાસકારોને વૈશ્વિક સ્તરે સક્ષમ પ્લેટફોર્મ મળી શકે.
આ નવા સુધારા અંતર્ગત બજાર એક્સેસ સપોર્ટ હેઠળ વેપાર મેળાઓ અને પ્રદર્શનોમાં હવાઈ ભાડાની ભરપાઈ મેળવવા માટેની પાત્રતા માટે નિકાસ ટર્નઓવરની મર્યાદા અગાઉના ૭૫ લાખ રૂપિયાથી વધારીને સીધી ૫૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
વધુમાં સરકારે માઇક્રો અને સ્મોલ નિકાસકારો માટે હવાઈ ભાડાના વળતરની ટકાવારી વધારીને ૯૫ ટકા અને અન્ય માન્યતાપ્રાપ્ત નિકાસકારો માટે ૮૦ ટકા નિર્ધારિત કરી છે, જેથી આર્થિક ભારણ ઘટે.
માર્કેટ એક્સેસ સપોર્ટ દ્વારા બાયર્સ-સેલર્સ મીટ અને વૈશ્વિક પ્રદર્શનો જેવી પ્રવૃત્તિઓને મજબૂત બનાવવાની સાથે વળતર માટે પાત્રતા ધરાવતા પ્રમાણપત્રોની સૂચિ ૪૬૨ થી વધારીને ૬૦૦ કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને તકનીકી ધોરણોનું પાલન સરળ બને.
આગામી સમયમાં આ સુધારેલી નીતિના અમલીકરણથી ભારતીય એમએસએમઈ અને નિકાસકારો વૈશ્વિક બજારમાં વધુ મજબૂતાઈથી સ્પર્ધા કરી શકશે અને દેશની નિકાસ વૃદ્ધિને વેગ મળશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
