News of Tuesday, 5th May 2026
બંગાળમાં 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત: ભાજપને પ્રચંડ બહુમતી : હવે મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળો તેજ
સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષ જેવા અનુભવી નેતાઓથી લઈને રૂપા ગાંગુલી જેવા લોકપ્રિય ચહેરાઓ આ રેસમાં સામેલ:ભાજપ હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે રાજ્યમાં પહેલીવાર સત્તા મેળવીને ઇતિહાસ રચી દીધો છે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ૧૫ વર્ષ લાંબા મમતા યુગના અંત બાદ હવે સૌની નજર એ વાત પર છે કે બંગાળની કમાન કોના હાથમાં જશે મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપના ૫ દિગ્ગજ નેતાઓના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ ભાજપના 'ફાયરબ્રાન્ડ' નેતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે ૨૦૨૧માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા અને ૨૦૨૬માં ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ બેઠક પર વિજય મેળવીને પોતાની તાકાત સાબિત કરી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનો તેમનો અનુભવ તેમને આ રેસમાં મોખરે રાખે છે.
રાજ્ય ભાજપના પૂર્વ પ્રમુખ અને આરએસએસ (RSS) પ્રચારક રહી ચૂકેલા દિલીપ ઘોષ પાયાના નેતા ગણાય છે. ૨૦૧૯માં મેદિનીપુર લોકસભા અને ૨૦૨૬માં ખડગપુર સદર બેઠક પર તેમનો વિજય ભાજપ માટે બંગાળમાં સંગઠનાત્મક જીત સમાન છે. કેન્દ્રીય નેતૃત્વમાં તેમનું કદ ઘણું મોટું છે.
શિક્ષિત અને કેન્દ્રીય નેતૃત્વની નજીક મનાતા ડૉ. સુકંતા મજુમદાર પણ આ રેસમાં સામેલ છે. બાલુરઘાટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી રહેલા મજુમદારે વનસ્પતિશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. ઉત્તર બંગાળમાં ભાજપના વર્ચસ્વ પાછળ તેમનો મોટો હાથ માનવામાં આવે છે.
પૂર્વ ફેશન ડિઝાઇનર અને આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ ભાજપના પ્રખ્યાત મહિલા નેતા છે. મહિલા મોરચાનું સફળ નેતૃત્વ કર્યા બાદ ૨૦૨૬ની ચૂંટણીમાં ફરી જીત મેળવીને તેમણે પોતાનું રાજકીય કદ વધાર્યું છે.
હિન્દી અને બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી રૂપા ગાંગુલી સોનારપુર દક્ષિણ બેઠક પર વિજય મેળવીને ચર્ચામાં છે. 'મહાભારત'ની દ્રૌપદી તરીકે જાણીતી રૂપા ગાંગુલી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જો ભાજપ કોઈ મહિલા ચહેરાને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરે, તો રૂપા ગાંગુલી મજબૂત પસંદગી બની શકે છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
