News of Friday, 8th May 2026
તમિલનાડુમાં દ્રવિડિયન પક્ષોના 62 વર્ષના શાસનનો અંત : બહુમતી સાબિત કર્યા બાદ સુપરસ્ટાર વિજય આવતીકાલે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે
રાજ્યપાલ આર.વી. આર્લેકર સાથેની ત્રીજી મુલાકાત બાદ સરકાર રચવાનો માર્ગ મોકળો : TVK, કોંગ્રેસ, VCK અને ડાબેરી પક્ષોના ગઠબંધન પાસે 121 ધારાસભ્યોનું સમર્થન : DMK અને AIADMK વચ્ચે 'અપવિત્ર ગઠબંધન'ની અટકળોનો અંત

ચેન્નાઈ:તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ બાદ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયે જાદુઈ આંકડો 118 પાર કરી લેતા હવે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે આજે સાંજે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. વિજય આવતીકાલે સવારે 11:00 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે.
ચોકાવનારું ગઠબંધન અને બહુમતીનું ગણિત:
ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ' (TVK) એ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતીને ઐતિહાસિક શરૂઆત કરી હતી, પરંતુ બહુમતી માટે જરૂરી 118 ના આંકડાથી તે 10 બેઠકો દૂર હતી. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી બહુમતી ધારાસભ્યોના સમર્થન પત્રો ન મળે ત્યાં સુધી તેઓ સરકાર રચવા આમંત્રણ આપી શકે નહીં.
છેલ્લા ચાર દિવસની ભારે ખેંચતાણ બાદ વિજયે અન્ય પક્ષોને મનાવવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસે પાંચ ધારાસભ્યો સાથે સમર્થન આપ્યું છે, જોકે શરત એ છે કે TVK કોઈ 'કોમવાદી પક્ષ' (ભાજપ) સાથે જોડાણ કરશે નહીં. આ ઉપરાંત, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), CPI(M) અને CPI એ પણ સમર્થન પત્રો આપી દીધા છે. IUML ના એક અને AMMK ના ટીટીવી દિનાકરણના એક ધારાસભ્યના ટેકા સાથે વિજય પાસે હવે કુલ 121 ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
સત્તાની વહેંચણી અને ડાબેરીઓનો અભિગમ:
નવી સરકારમાં પદની વહેંચણી અંગે થયેલી સમજૂતી મુજબ, કોંગ્રેસને કેબિનેટમાં બે મંત્રી પદ મળે તેવી શક્યતા છે, જ્યારે VCK ને એક મંત્રાલય સોંપવામાં આવી શકે છે. બીજી તરફ, ડાબેરી પક્ષો CPI અને CPM એ સરકારમાં સામેલ થવાને બદલે બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે.
DMK અને AIADMK ના ગઢમાં ગાબડું:
વિજયની આ જીત સાથે જ તમિલનાડુના રાજકારણ પર છેલ્લા 62 વર્ષથી કબજો જમાવી બેઠેલા બે મુખ્ય દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK ના વર્ચસ્વનો અંત આવ્યો છે. રાજકીય સંકટ દરમિયાન એવી અટકળો પણ વહેતી થઈ હતી કે વિજયને સત્તાથી દૂર રાખવા માટે કટ્ટર હરીફ એવા DMK અને AIADMK 'અપવિત્ર ગઠબંધન' કરીને સાથે આવશે, પરંતુ વિચારધારાના મતભેદોને કારણે આ જોડાણ શક્ય બન્યું નહોતું.
રાજકીય ગરમાવો અને જશની માહોલ:
શુક્રવારે સાંજે વિજયના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન બહાર હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા અને 'TVK, TVK' ના નારા લગાવ્યા હતા. આ બાજુ ભાજપે રાજ્યપાલ પર કોઈ પણ પ્રકારના દબાણના આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે આ લોકશાહી પ્રક્રિયા છે અને બહુમતી સાબિત થયા બાદ બંધારણીય રીતે જ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ પર હવે આખા દેશની નજર ટકેલી છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
