<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

બંગાળમાં 'વસૂલી રાજ'નો અંત? શુભેન્દુ સરકારનો મમતા શાસન વખતના ગેરકાયદે ટોલનાકાઓ ઉખેડી ફેંકવા આદેશ, જનતાને મોટી રાહત!

મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્યભરના કલેક્ટરોને આપ્યા કડક નિર્દેશ; મંજૂરી વગરના ડ્રોપ ગેટ અને બેરિકેડ્સ હવે ઈતિહાસ બનશે, ૧૫ મે સુધીમાં માંગ્યો વિગતવાર રિપોર્ટ

કોલકાતા, તા.૧૩: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી સરકારે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન રાજ્યભરમાં ફૂટી નીકળેલા ગેરકાયદે ટોલનાકાઓ અને વસૂલી કેન્દ્રો પર હવે સરકારી બુલડોઝર ફરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને તમામ ગેરકાયદે ટોલ ગેટ, ડ્રોપ ગેટ અને બેરિકેડ્સને તાત્કાલિક અસરથી હટાવવા માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી દીધી છે.

મુખ્ય સચિવની લાલ આંખ: મંજૂરી વગરના નાકાઓ તાત્કાલિક બંધ કરો

રાજ્યના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, સરકારની પરવાનગી વગર ચાલતા તમામ નાકાઓ ગેરકાયદેસર છે અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવા જોઈએ. આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવા નાકાઓની ઓળખ કરે અને તેનું માળખું જમીનદોસ્ત કરે, જેથી ભવિષ્યમાં ફરીથી ત્યાં વસૂલી શરૂ ન થઈ શકે.

કડક કાર્યવાહીની ચીમકી અને ૧૫ મેની ડેડલાઇન

સરકારે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કે જૂથ હજુ પણ ગેરકાયદે વસૂલાત કરતા પકડાશે, તો તેમની સામે જેલના સળિયા પાછળ ધકેલવા સુધીની કાર્યવાહી થશે. એટલું જ નહીં, જે-તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. મુખ્ય સચિવે તમામ માન્ય અને અમાન્ય ટોલ પોઈન્ટ્સની યાદી, એજન્સીની વિગતો અને ટેન્ડરની સમયમર્યાદા સહિતનો સંપૂર્ણ રિપોર્ટ ૧૫ મે, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સબમિટ કરવા આદેશ આપ્યો છે.

સામાન્ય નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ

લાંબા સમયથી બંગાળમાં વિવિધ રસ્તાઓ પર ગેરકાયદે બેરિકેડ્સ મૂકીને વાહનચાલકો પાસેથી પરાણે નાણાં ઉઘરાવવાની ફરિયાદો ઉઠતી હતી. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો અને ટ્રક ચાલકોને મોટી આર્થિક રાહત મળશે. વહીવટી પારદર્શિતા વધારવા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શુભેન્દુ સરકારનું આ પગલું રાજ્યની રાજનીતિમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યું છે. નવી સરકારના આ આક્રમક તેવરથી ભ્રષ્ટાચારી તત્વોમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે.

(5:37 PM IST)