<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

કોચિન એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનના એન્જિનમાં પ્રેસર ડેન્જર ઝોનમાં પહોંચતા ઈમરજન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના ટળી

​બોઇંગ 737 ફ્લાઇટ 36,000 ફીટની ઊંચાઈએ પહોંચતા જ એન્જિન-1માં ઓઈલનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગ્યું, પાયલોટોએ તાત્કાલિક નિર્ણય લઈ વિમાનને સુરક્ષિત રીતે પાછું વાળી લીધું

​નવી દિલ્હી: કેરળના કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અબુ ધાબી શહેર તરફ રવાના થયેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અધવચ્ચે જ ગંભીર તકનીકી ખામી સર્જાતા ઈમરજન્સી ઊભી થઈ હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની બોઇંગ 737 વિમાન (ફ્લાઇટ IX 415) એ કોચિનથી ટેક ઓફ કર્યાના લગભગ 50 મિનિટ બાદ એન્જિનમાં ટેકનિકલ સમસ્યા સામે આવી હતી.

​વિમાન જ્યારે આકાશમાં આશરે 36,000 ફીટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું, ત્યારે તેના એન્જિન-1માં ઓઈલનું પ્રમાણ અત્યંત ઝડપથી ઘટવા લાગ્યું હતું. પાયલોટ અને કો-પાયલોટે ડેશબોર્ડ પર આ ખામી જોતાં જ તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી હતી. એન્જિન ઓઈલનું દબાણ સતત ઘટીને જોખમી સ્તર (ડેન્જર ઝોન) સુધી પહોંચી ગયું હતું, જેને કારણે વિમાનના એન્જિનને બંધ કરવાની ફરજ પડી હતી.

​હવામાં સર્જાયેલી આ ઈમરજન્સી સ્થિતિને પગલે પાયલોટોએ તુરંત મુંબઈ રેડિયો અને એર ટ્રાફિક કંટ્રોલર (ATC) નો સંપર્ક સાધ્યો હતો અને અબુ ધાબી જવાનો માર્ગ છોડીને કોચિન પરત ફરવાની મંજૂરી માંગી હતી. વિમાનમાં એક જ એન્જિન ચાલુ હોવા છતાં અને નિર્ધારિત વજન કરતાં વધુ વજન હોવા છતાં, અનુભવી પાયલોટોએ અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી કરીને વિમાનનું કોચિન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

​વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે એવિએશન રેગ્યુલેટર DGCA અને એરલાઇન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(4:38 PM IST)