News of Friday, 18th September 2026
અંગ્રેજીના પંડિત શશી થરૂરની વ્યાકરણની ભૂલ પકડાઈ: પીએમ મોદીને બર્થડે વિશ કરતી વખતે થઈ એવી ભૂલ કે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું!
‘On’ ની જગ્યાએ ‘In’ લખાતાં ટ્રોલર્સ સક્રિય થતાં કૉંગ્રેસ સાંસદે ટાઇપો સ્વીકાર્યો: નેટીઝન્સે કહ્યું, "જગતના આઠમા અજાયબી જેવી ઘટના, ફ્રેમ બનાવી લુવ્ર મ્યુઝિયમમાં મૂકવા જેવી!"

નવી દિલ્હી : અંગ્રેજી ભાષા અને તેની ક્લિષ્ટ શબ્દાવલી માટે દેશભરમાં જાણીતા કૉંગ્રેસના સાંસદ શશી થરૂર પોતાની ઉત્કૃષ્ટ ભાષાશૈલી માટે જાણીતા છે. પરંતુ કહેવાય છે ને કે ભૂલ તો માણસ માત્રથી થાય! વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસે સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવતી વખતે શશી થરૂરથી એક નાનકડી વ્યાકરણની ભૂલ થઈ ગઈ, અને બસ પછી તો નેટીઝન્સને મીમ્સ બનાવવાનો મસાલો મળી ગયો હતો.
૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીને જન્મદિનની શુભકામનાઓ આપતી એક પોસ્ટ શશી થરૂરે પોતાના એક્સ (X) એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું: "Warmest congratulations to PM @narendramodi in his 76th birthday." અહીં તેઓ 'On his 76th birthday' લખવા માંગતા હતા, પરંતુ ઉતાવળમાં કે ટાઈપિંગ મિસ્ટેકના કારણે 'On' ને બદલે 'In' લખાઈ ગયું. જે વપરાશકર્તાઓની નજરમાંથી છટકી શક્યું નહોતું.
"આ તો મેટ્રિક્સમાં મોટી ગડબડ છે!" - મીમ્સ વાયરલ
સામાન્ય રીતે લોકો જેમના અંગ્રેજીના જ્ઞાનની મિશાલ આપે છે તેવા શશી થરૂરની આ ભૂલ પકડાતા જ સોશિયલ મીડિયા પર રમુજી ટિપ્પણીઓની ઝડી વરસી હતી. એક યુઝરે રમૂજમાં લખ્યું કે, "જો શશી થરૂર પણ ગ્રામેટિકલ મિસ્ટેક કરવા લાગે, તો ચોક્કસ આપણે કોઈ સિમ્યુલેશનમાં જીવી રહ્યા છીએ!" જ્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, "આ પોસ્ટને ફ્રેમ કરાવીને પેરિસના પ્રસિદ્ધ લુવ્ર મ્યુઝિયમ અથવા ભારત મંડપમમાં લટકાવી દેવી જોઈએ."
પોતાની ભૂલ તરફ ધ્યાન દોરાતાં શશી થરૂરે પણ અત્યંત ખેલદિલીથી ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમણે વળતો જવાબ આપતા લખ્યું હતું કે, "હા, હું 'On' જ લખવા જતો હતો પણ આંગળી લપસી જતાં 'In' ટાઈપ થઈ ગયું. કમનસીબે ઉતાવળમાં આવું અવારનવાર બની જતું હોય છે." કૉંગ્રેસ સાંસદના આ હળવાશભર્યા સ્વીકારે લોકોના દિલ જીતી લીધા હતા.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
