News of Saturday, 18th April 2026
મુંબઈ કોસ્ટલ રોડ સામે પર્યાવરણપ્રેમીઓનો ‘જંગ’: વર્સોવાના નાના-નાની પાર્કને બચાવવા રહેવાસીઓ મેદાનમાં, કિશોરી પેડણેકરે વૃક્ષ છેદન અટકાવવા બૂંગિયો ફૂંક્યો!
₹20,000 કરોડના પ્રોજેક્ટ માટે 1,400 થી વધુ વૃક્ષોનું અપાશે ‘બલિદાન’? હેરિટેજ વૃક્ષો અને મેન્ગ્રોવ્સના નિકંદન સામે શિવસેના (UBT) આક્રમક - વૈકલ્પિક પ્લાન રજૂ કરવા સરકારને અલ્ટીમેટમ

મુંબઈ : મુંબઈના મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ (નોર્થ) પ્રોજેક્ટને લઈને ફરી એકવાર વિવાદના વંટોળ સર્જાયા છે. વર્સોવાના જાણીતા નાના-નાની પાર્ક અને તેની આસપાસના હરિયાળા વિસ્તારોમાં હજારો વૃક્ષો કાપવાની યોજના સામે સ્થાનિક રહેવાસીઓએ બાંયો ચડાવી છે. શનિવારે શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મેયર કિશોરી પેડણેકરે આ આંદોલનને ટેકો જાહેર કરી સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે મુંબઈના ફેફસાં સમાન હરિયાળીનો નાશ કરવામાં આવી રહ્યો છે.
50 વર્ષ જૂના ‘હેરિટેજ’ વૃક્ષો પર જોખમ
પ્રોજેક્ટની વિગતો મુજબ, વર્સોવા ઇન્ટરચેન્જથી બાંગુર નગર સુધીના પટ્ટામાં અંદાજે 348 વૃક્ષો અને પેકેજ-A હેઠળ અન્ય 1,113 વૃક્ષોને કાપવા માટે ઓળખવામાં આવ્યા છે. કિશોરી પેડણેકરે ચિંતા વ્યક્ત કરી હતી કે આમાંના ઘણા વૃક્ષો 50 વર્ષથી વધુ જૂના છે. મહારાષ્ટ્ર વૃક્ષ સંરક્ષણ અધિનિયમ, 1975 હેઠળ આ વૃક્ષો ‘હેરિટેજ ટ્રી’ (વારસાગત વૃક્ષ) તરીકે રક્ષણ મેળવવા પાત્ર છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ પ્રોજેક્ટના પર્યાવરણીય પ્રભાવનું યોગ્ય મૂલ્યાંકન (EIA) કરવામાં આવ્યું છે ખરું?
વૈકલ્પિક માર્ગની દરખાસ્ત
વિરોધ પક્ષો અને સ્થાનિકોનું કહેવું છે કે પ્રોજેક્ટના ઉદ્દેશ્યો પૂરા કરવા માટે વૃક્ષો કાપવા અનિવાર્ય નથી. ફેબ્રુઆરીમાં યોજાયેલી જાહેર સુનાવણીમાં એક વૈકલ્પિક ગોઠવણી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ મુજબ, જો માર્ગને ઉત્તર તરફ 2 કિમી લંબાવીને શિવપૂજન સીતાપતિ નિવાસ માર્ગ દ્વારા બહાર કાઢવામાં આવે, તો પાર્ક અને નજીકના કિંમતી મેન્ગ્રોવ (ચેરના જંગલો) વિસ્તારોને સંપૂર્ણપણે બચાવી શકાય તેમ છે.
સમીક્ષા ન થાય ત્યાં સુધી ‘બ્રેક’ મારો
શિવસેના (UBT) એ માંગ કરી છે કે જ્યાં સુધી નિષ્ણાતો દ્વારા વૈકલ્પિક યોજનાઓનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં ન આવે, ત્યાં સુધી એક પણ વૃક્ષ કાપવાની કે મેન્ગ્રોવ્સને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. કિશોરી પેડણેકરની સાથે પૂર્વ મેયર મિલિંદ વૈદ્ય અને યશોધર ફણસે જેવા નેતાઓએ પણ સરકારને આ પર્યાવરણીય અત્યાચાર રોકવા ચેતવણી આપી છે.
મુંબઈની આબોહવા અને સમુદ્રી ભરતી સામે રક્ષણ આપતા મેન્ગ્રોવ્સના વિનાશથી ભવિષ્યમાં શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી ભીતિ પણ પર્યાવરણવાદીઓ સેવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર આ લોકરોષ સામે ઝૂકે છે કે પછી વૃક્ષો પર કરવત ચલાવવાનું ચાલુ રાખે છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
