News of Sunday, 21st June 2026
ઇપીએફઓ (EPFO) દ્વારા પીએફ ઉપાડના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી : નોકરી ગુમાવવાના કિસ્સામાં ઇન્સ્ટન્ટ ૭૫% અને એક મહિનામાં ૧૦૦% ફંડ મેળવવાનો નવો નિયમ ટૂંક સમયમાં થઈ શકે છે અમલી
પીએફ સભ્યોને આર્થિક કટોકટીના સમયે તાત્કાલિક રાહત આપવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં લેવાઈ શકે છે આખરી નિર્ણય : ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ ઝડપી અને ડિજિટલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ

નવી દિલ્હી:કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓ (EPFO) દ્વારા તેના કરોડો સભ્યોના હિતમાં એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાની દિશામાં ગંભીરતાથી કામગીરી શરૂ કરવામાં આવી છે. દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓને નોકરી ગુમાવવાના અથવા આકસ્મિક આર્થિક સંકટના સમયે મોટી રાહત આપવા માટે પીએફ ઉપાડ (PF Withdrawal) ના જૂના અને જટિલ નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીની નોકરી અચાનક છૂટી જાય છે, તો તે પોતાના પીએફ ખાતામાંથી ખૂબ જ ટૂંકા સમયમાં એટલે કે ઇન્સ્ટન્ટ ધોરણે ૭૫ ટકા જેટલી રકમ ઉપાડી શકશે.
આ નવા નિયમ હેઠળ સભ્યોને માત્ર નાણાકીય સહાય જ નહીં મળે પરંતુ સમગ્ર વહીવટી પ્રક્રિયાને પણ એકદમ સરળ બનાવી દેવામાં આવશે. હાલના પ્રવર્તમાન નિયમો મુજબ પીએફનું સંપૂર્ણ ફંડ મેળવવા માટે કર્મચારીઓએ લાંબો સમય રાહ જોવી પડે છે અને ઘણી કાગળિયાંની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ ઇપીએફઓ (EPFO 3.0) ના આ નવા પ્રસ્તાવમાં એવી જોગવાઈ કરવામાં આવી રહી છે કે નોકરી ગયાના પ્રથમ એક મહિનાની અંદર જ સભ્યો પોતાના ખાતામાં જમા થયેલી કુલ રકમના ૧૦૦ ટકા એટલે કે પૂરેપૂરું ફંડ ઉપાડીને પોતાના અંગત ઉપયોગમાં લઈ શકશે. આ પગલાથી મધ્યમ વર્ગના પરિવારોને બેરોજગારીના સમયમાં મોટું સામાજિક અને આર્થિક પીઠબળ મળી રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની આગામી સમયમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નવા નિયમોના ફ્રેમવર્કને આખરી મંજૂરી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલય વચ્ચે આ અંગે પ્રારંભિક સહમતિ સધાઈ ચૂકી છે. આ નવી વ્યવસ્થા હેઠળ આખી પ્રક્રિયાને ઓટોમેટેડ ડિજિટલ મોડ પર શિફ્ટ કરવામાં આવશે, જેથી સભ્યો દ્વારા ઓનલાઈન ક્લેમ સબમિટ કર્યાના ગણતરીના કલાકોમાં જ નાણાં સીધા તેમના લિંક થયેલા બેંક ખાતામાં જમા થઈ જાય.
ઇપીએફઓ દ્વારા ટેકનોલોજી અપગ્રેડેશનના ભાગરૂપે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભૂતકાળમાં ક્લેમ રિજેક્શન (અસ્વીકાર) ના જે મોટા પ્રમાણમાં કિસ્સાઓ સામે આવતા હતા તેના પર કાયમી રોક લગાવી શકાય. ખાસ કરીને યુવા કર્મચારીઓ કે જેઓ વારંવાર નોકરીઓ બદલતા હોય છે અથવા સ્ટાર્ટ-અપ કલ્ચરમાં કામ કરે છે, તેમને આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો લાભ મળશે. પીએફ સંગઠનનો દાવો છે કે આ નિયમ અમલી બન્યા બાદ દેશભરના અંદાજે ૬ કરોડથી વધુ સક્રિય સભ્યોને સીધો ફાયદો થશે અને સિસ્ટમમાં પારદર્શિતા વધશે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
